Rajkot: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટના એક દિગ્ગજ બેટ્સમેનની કરિયર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ચેતેશ્વર પુજારા ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં આઠમાં ક્રમે આવે છે.
આજે નિવૃતિની જાહેરાત કરતાં ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું કે, મેં મારા પરિવાર સાથે ચર્ચા કરીને જ આ મોટો નિર્ણય લીધો છે. મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો અને ફેરવેલ મેચ ના મળી તેનું કોઈ દુઃખ નથી. મારા નિવૃતિના નિર્ણય પહેલા મેં અનેક સાથી ક્રિકેટરો અને પૂર્વ ક્રિકેટરો સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
આગામી સમયમાં હું કૉમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી જ કરીશ. મેં નિવૃત થવાનો નિર્ણય એક અઠવાડિયા પહેલા જ લીધો હતો અને અનેક દિગ્ગજ ખેલાડીઓ સાથે વાત કરીને આજે સન્યાસની જાહેરાત કરી છે. વધુમાં ચેતેશ્વર પૂજારાએ 2018માં ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી પોતાને હંમેશા યાદગાર રહેશે તેમ જણાવ્યું હતુ.
જણાવી દઈએ કે, વર્ષ 2018માં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. આ સિરીઝ સાથે 71 વર્ષમાં પહેલીવાર ભારત ઑસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ સિરીઝ જીત્યું હતુ. આ જીતમાં પૂજારાનું મોટું યોગદાન હતુ.
આ પ્રવાસ દરમિયાન એડિલેડ ટેસ્ટમાં પૂજારાએ 246 બૉલમાં 123 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શરૂઆતન બે વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. જો કે બીજો છેડો સાચવીને પૂજારાએ ધીરજપૂર્વક બેટિંગ કરી. પોતાની ઈનિંગ્સમાં પૂજારાએ 7 ફૉર અને 2 સિક્સ ફટકારી હતી. પૂજારાની ઈનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયા પ્રથમ ઈનિંગ્સમાં 250 રનનો સ્કોર બનાવી શક્યો. જેના પરિણામે ભારત આ મેચ 31 રને જીત્યું હતુ.