વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે બનશે દેશનું સૌથી મોટું કોંક્રિટ ફાઉન્ડેશન, પ્રમુખ આર પી પટેલે કહ્યુંઃ આગામી 4થી 7 સપ્ટેમ્બરે રેકોર્ડ થશે સ્થાપિત

આ રાફ્ટની કામગીરી અંગે વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આર. પી. પટેલે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મહત્ત્વની વિગતો જણાવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 21 Aug 2025 10:14 AM (IST)Updated: Thu 21 Aug 2025 10:42 AM (IST)
worlds-largest-concrete-foundation-to-be-built-in-72-hours-at-vishv-umiya-dham-temple-in-ahmedabad-says-president-r-p-patel-589126
HIGHLIGHTS
  • આ ભવ્ય મંદિરનું મહાભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
  • આ પ્રોજેક્ટ 2000 કરોડના ખર્ચે 100 વીઘા જમીનમાં નિર્માણ પામી રહ્યો છે.

Vishv Umiyadham Temple in Ahmedabad: વિશ્વ ઉમિયાધામ દ્વારા અમદાવાદમાં મા ઉમિયાનું દેશનું સૌથી ઊંચું મંદિર બની રહ્યું છે, જે 504 ફૂટ (153 મીટર)ની ઊંચાઈનું હશે. અત્યારે મંદિરના પાયાના 1551 સ્તંભનું કાર્ય પૂરું થઈ ગયું છે. હવે તેની ઉપર 24,000 ઘન મીટરનો રાફ્ટ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. 1,50,000 ક્યુબિક મીટર કોંક્રિટનો રાફ્ટ માત્ર 72 કલાકમાં જ બનાવીને રેકોર્ડ સ્થાપિત કરાશે. ત્યારે આ રાફ્ટની કામગીરી અંગે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે ગુજરાતી જાગરણ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મહત્ત્વની વિગતો જણાવી છે.

મહત્ત્વનું છે કે, આ ભવ્ય મંદિરનું મહાભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ સંસ્થા ધાર્મિક ચેતનાની સાથે સામાજિક વિકાસ માટે પણ કાર્યરત છે, જ્યાં સ્કિલ યુનિવર્સિટી, હોસ્પિટલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને હોસ્ટેલો પણ બનવાની છે, જેથી આ ધામ સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બની રહે. આ પ્રોજેક્ટ 2000 કરોડના ખર્ચે 100 વીઘા જમીનમાં નિર્માણ પામી રહ્યો છે.

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું કે, આ મંદિરના નિર્માણ માટે પાયામાં 1551 જેટલા ધર્મસ્તંભ બનાવવામાં આવ્યા છે, જે દરેક 80થી 100 ફૂટ ઊંડા અને બે થી ચાર મીટર પહોળા છે. આ ધર્મસ્તંભો પર મંદિરનો ગગનવિહાર બંધાઈ રહ્યો છે. ધર્મસ્તંભનું કામ પૂર્ણ થયા બાદ હવે તેના પર રાફ્ટનું કામ શરૂ થઈ રહ્યું છે. આ રાફ્ટ કુલ 1,50,000 ક્યુબિક મીટર કોંક્રિટ વર્કનો એક ભાગ છે, જેમાંથી 24,000 ઘન મીટરનો રાફ્ટ એકી સાથે ભરવામાં આવશે. આ કાર્ય 4 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ થશે અને સતત 72 કલાક સુધી ચાલશે, જે દેશમાં એક રેકોર્ડ અને વિશ્વમાં બીજો રેકોર્ડ બનશે.

આર. પી. પટેલે વધુમાં જણાવ્યું કે, રાફ્ટ ભરવાના આ કાર્ય માટે છેલ્લા એક મહિનાથી આયોજન ચાલી રહ્યું છે. આ કાર્યમાં લગભગ 3300 ટન લોખંડ અને 4400 ટન સિમેન્ટનો ઉપયોગ થશે. સાઈટ પર 500થી વધુ કારીગરો અને સુપરવાઈઝરો કાર્યરત છે. રાફ્ટ ભરવા માટે 25 જેટલા આરએમસી પ્લાન્ટથી માલ સપ્લાય થશે અને આશરે 5000 ટ્રીપનો ઉપયોગ થશે. ચાર બાજુથી ચાર પંપ દ્વારા રાફ્ટ ભરવાનું કામ થશે અને ગુણવત્તા જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.

રાફ્ટ (સ્લેબ)ની કામગીરીની વિશેષતા

  • 24,000 ઘન મીટરનો રાફ્ટ એકી સાથે ભરવામાં આવશે. આ કામગીરી સતત ૭૨ કલાક ચાલશે.
  • આ રાફ્ટ ભરવાનું કાર્ય ભારતમાં એક રેકોર્ડ અને વિશ્વમાં બીજો રેકોર્ડ બનશે.
  • આ કાર્યમાં આશરે 3300 ટન લોખંડ અને 4400 ટન સિમેન્ટનો ઉપયોગ થશે.
  • 25 જેટલા આરએમસી પ્લાન્ટથી માલ સપ્લાય થશે અને આશરે 5000 ટ્રિપનો ઉપયોગ થશે.
  • રાફ્ટ ભરવાનું કામ ચાર બાજુથી ચાર પંપ દ્વારા થશે અને ગુણવત્તા જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે.