Agriculture News: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલ અંતરિયાળ એવા ભરસડા ગામના રહેવાસી અને પ્રાકૃતિક ખેડૂત લલિતભાઈ કાનજીભાઈ ખપેડ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ આત્મા પ્રોજેક્ટ હેઠળ યોજાયેલ વિવિધ તાલીમ અને માર્ગદર્શન લઈ છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.

તેઓ પ્રાકૃતિક ખેતી થકી ઋતુ પ્રમાણે અનાજ, કઠોળ, શાકભાજી અને ફૂલોની ખેતી પણ કરે છે. જેમાં તેઓને સારી એવી આવક મળી રહે છે. જેમાં દરેક સિઝન મુજબ જેમ કે,ચોમાસામાં મકાઈ અને ડાંગર, શિયાળામાં ઘઉં અને ચણા, તેમજ વિવિધ શાકભાજી અને ફૂલોની ખેતી કરીને પણ બદલાતી અને મિશ્ર ખેતી કરું છું.

લલીતભાઈ ખપેડએ જણાવ્યું કે, ઘણા વર્ષો અગાઉ આત્મા પ્રોજેક્ટમાં જોડાયા બાદ મને પ્રાકૃતિક ખેતી વિશે સૌ પ્રથમ કચ્છ જિલ્લામાં તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટ, દાહોદ દ્વારા અમારા ગામમાં પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ આપવામાં આવી હતી. એ પછી મને પ્રાકૃતિક ખેતી બરાબર સમજમાં આવી અને પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું

તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું. જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતો નથી. ખેતીમાં હું ગાય આધારિત બનાવેલ જીવામૃત, ઘન-જીવામૃતનો ઉપયોગ કરું છું. પ્રાકૃતિક ખેતી આધારિત ૫ આયામોનો ઉપયોગ કરીને ખેતી કરું છું. ફૂલોની ખેતીમાં ગુલાબ, ગલગોટા તેમજ ચમેલીના ફૂલોનું વાવેતર કરું છું. આ ફૂલોનું હું બજારમાં જાતે વેચાણ કરું છું. ખેતી કરવાથી માંડીને વેચાણ સુધીનું કામ હું જાતે જ કરું છું જેથી કરીને મને સારી અને સંતોષજનક આવક મળી રહે છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા અનાજ-શાકભાજી ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે. ઘર-પરિવારમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી. સાથે જ તેમણે દાહોદ જિલ્લાના ખેડૂતોને વિનંતી કરતા કહ્યું હતું કે, સર્વ ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.

દિન-પ્રતિદિન નિત નવા રોગો ઉભા થઇ રહ્યા છે. નાના બાળકોને, યુવાનોમાં હાર્ટ એટેક જેવા ગંભીર રોગ થવા પામે છે, તેના પાછળનું મુખ્ય કારણ એક જ કે, રાસાયણિક ખાતર, દવા અને બિયારણનો વપરાશ છે.