Ambalal Patel, Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેને લીધે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની છે. આ દરમિયાન અમદાવાદ સહિત ત્રણ ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 26 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ ચાલુ રહેશે. 26 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જ્યારે મહીસાગર અને પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 26 ઓગસ્ટથી એક બીજું વરસાદી વહન સક્રિય થતાં 28 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નર્મદા, સાબરમતી અને તાપી નદીઓની જળ સપાટી વધશે અને કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આવનારા તહેવારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ગણેશ ચતુર્થી, પર્યુષણ પર્વ અને રામદેવપીરના તહેવારો દરમિયાન પણ વરસાદની શક્યતા છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં ભારે વરસાદના એંધાણ છે, જેના કારણે અંબાજી પગપાળા જતા યાત્રીઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. આ વરસાદ યાત્રીઓ માટે ક્યારેક સારો સાબિત થઈ શકે છે, તો ક્યારેક હરકત પણ ઉભી કરી શકે છે, તેથી યાત્રીઓને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.