Ahmedabad: કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો (Commonwealth Weightlifting Championships 2025) પ્રારંભ કરાવ્યો હતો.
આ તકે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લિટસની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે.
દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 'ખેલો ઈન્ડિયા' અને 'ફિટ ઇન્ડિયા'નો નારો આપ્યો. દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્વના રિફોર્મ્સ કર્યા.
સ્પોર્ટ્સ પોલિસી વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ પોલિસી સ્પોર્ટ્સને ઍક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકો સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે. સ્પોર્ટ્સ ગવર્નન્સ એથલિટ્સ સેન્ટ્રીક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ થકી દિવ્યાંગોને પણ સ્પોર્ટ્સમાં સરખું પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.

સ્પોર્ટ્સ આપણી વિરાસત છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી પુંજી છે, જેનો લાભ લઈને ભારતને દુનિયાના ટોપ ટેન સ્પોર્ટ્સ કન્ટ્રીમાં પહોંચાડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકલ્પ કર્યો છે. વર્ષ 2047માં વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરીને ટોપ-૫ સ્પોર્ટિંગ કન્ટ્રીઝમાં સ્થાન મેળવવા પણ આપણે પ્લાન બનાવીને એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે.
કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, આપણા વેઇટલિફ્ટર્સ આ રમતમાં સુંદર સફળતા મેળવી રહ્યા છે. આવી વધુને વધુ પ્રતિયોગિતાઓ આપણા યુવાઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા આગવી પ્રેરણા પૂરી પાડશે.

બીજી તરફ ઈન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહોમ્મદ હસન જલૂદ અલ શમ્મારીએ જણાવ્યું કે, આ ઇવેન્ટ 2026માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ક્વોલિફાયર ઇવેન્ટ હશે. ભારતની યંગ ટેલેન્ટ આજે વેઇટલિફ્ટિંગમાં સતત સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી રહી છે. ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે. આજે ભારત સ્પોર્ટ્સ અને આર્થિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત સરકારના સતત સહકારના લીધે જ આજે આ ચેમ્પિયનશિપ આટલી સરળતાથી આયોજિત થકી શકી છે.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ પોલ કોફફાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપના આયોજનમાં દરેક ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અત્યંત સહયોગ સાંપડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ઓગસ્ટ સુધી યોજાનાર ચેમ્પિયનશિપમાં 144 જેટલા મેડલ્સ જીતવા 30 કોમનવેલ્થ દેશોના 291 એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે.