ગુજરાતમાં સિઝનનો 81 ટકાથી વધુ વરસાદઃ 64 ડેમ 100 ટકા સુધી ભરાયા, માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવાની સૂચના

ગુજરાતના 206 જળાશયો પૈકી 91ને હાઈ એલર્ટ, 28ને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે સરદાર સરોવર તેની કુલ ક્ષમતાના 84 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 24 Aug 2025 10:42 PM (IST)Updated: Sun 24 Aug 2025 10:42 PM (IST)
ahmedabad-news-218-taluka-across-the-gujarat-get-rain-till-8-pm-on-24th-august-591208
HIGHLIGHTS
  • આજે ગુજરાતના 218 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
  • છોટા ઉદેપુરના સંખેડામાં સૌથી વધુ 4 ઈંચ ખાબક્યો

Gujarat Rain Data: 16 જૂને ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું, તે બાદ બે મહિના સુધી મેઘરાજાએ રાજ્યના અલગ-અલગ ભાગોમાં તોફાની બેટિંગ કરી હતી. જો કે ઑગસ્ટ શરૂ થતાં જ વરસાદનું જોર ઘટી ગયું હતો, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે દસેક દિવસથી ફરીથી મેઘરાજા અલગ-અલગ ભાગોને ઘમરોળી રહ્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 81.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં એકંદરે 720.78 મિ.મી વરસાદ વરસી ચૂક્યો છે. જે પૈકી 39 તાલુકા એવા છે, જ્યાં 1000 મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગત ર્ષે સિઝનમાં 1263.90 મિ.મી અર્થાત 143.14 ટકા વરસાદ વરસ્યો હતો.

જો ઝોન પ્રમાણે વરસાદના આંકડા જોઈએ તો, કચ્છ રીઝનમાં સૌથી વધુ 84.58 ટકા વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાત ઝોનમાં 83.59, સૌરાષ્ટ્રમાં 81.25 અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 84.38 ટકા વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 206 જળાશયો પૈકી 91ને હાઈ એલર્ટ, 28ને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે સરદાર સરોવર તેની કુલ ક્ષમતાના 84 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે.

ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં 5191 લોકોનું સ્થળાંતર તેમજ 934 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આજે ગુજરાતના 218 તાલુકામાં નોંધપાત્ર વરસાદઃ છોટા ઉદેપુરના સંખેડામાં 4 ઈંચ ધોધમાર ખાબક્યો
આજે આખા દિવસ દરમિયાન છોટા ઉદેપુરના સંખેડામાં 101 મિ.મી, ડભોઈમાં 80 મિ.મી, દાંતામાં 68 મિ.મી., ઈડરમાં 63 મિ.મી, રાધનપુરમાં 61 મિ.મી મળીને 47 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 13 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે છેલ્લા 2 કલાકમાં 67 તાલુકામાં પડેલા વરસાદ પૈકી પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 27 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય ક્વાંટમાં 22 મિ.મી, રાધનપુરમાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.