Agriculture News: સુરતની નોકરીને અલવિદા કહીને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજેશભાઈ વસાવાએ વર્ષ 2016 માં પોતાના ગામ પ્રતાપપરા આવીને પશુપાલન વ્યવસાયને પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને સ્થાનિક વિકાસનું આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત કરીને લોકોને પ્રેરક સંદેશો પહોંચાડ્યો છે. કોરોનાકાળ પછી રાજેશભાઈની સફળતા નવી ઊંચાઈએ પહોંચી, જ્યારે તેમણે સરકારની વિવિધ યોજનાઓની મદદથી પશુધન, મિલ્કિંગ મશીન અને શેડ જેવા સાધનો મેળવી પશુપાલન વ્યવસાય સાથે સ્થાનિક મહિલાઓને પણ આર્થિક રીતે સશક્ત બનાવ્યું.

નોકરી છોડી ખેતીમાં ઝંપલાવ્યું
આ પ્રસંગે રાજેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, વર્ષ 2016 માં માત્ર બે ભેંસોથી શરૂ કરેલી આ સફર 70 પશુધન સુધી પહોંચી છે. ગીર ગાયની વિશેષતા સમજીને ગૌશાળા સ્થાપી અને દૂધ, દહીં, છાસથી વ્યવસાયનો વિસ્તાર કર્યો. રાજ્ય સરકારની પશુધન, શેડ બનાવવા અને મિલ્કિંગ મશીન સહિતની અનેક યોજનાઓનો સદુપયોગ કર્યો છે. મને જિલ્લા અને રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ મળ્યો છે.

ઇકોફ્રેન્ડલી મુર્તીઓ બનાવાનું શરુ કર્યું
વધુમાં જણાવ્યું કે, વર્ષ 2020 ની આસપાસ પશુ નિભાવ ખર્ચને સ્થિર કરવા માટે મને ઇકોફ્રેન્ડ્લી ચીજવસ્તુઓ બનાવવાનો વિચાર આવ્યો હતો. જે બાદ પેન સ્ટેન્ડ, મોમેંટો, વારલી પેઇન્ટિંગ ફ્રેમ્સ, મોબાઈલ સ્ટેન્ડ, વોલ હેંગિંગ જેમાં હેન્ડમેડ ડિઝાઈન્સ, શિવલિંગ, ફ્રેમ સ્વરૂપે ભગવાનની પ્રતિમાઓ, ડેકોરેટિવ આર્ટિકલ્સ, ધૂપબત્તી, ધૂપકપ, દિવો, મંદિરમાં સજાવટ સહિતની તમામ સામગ્રીઓ બનાવવાની શરૂઆત કરી હતી. દિવાળીમાં ઇકોફ્રેન્ડલી દિવાની બજાર માંગ ખુબ રહે છે.

બાયોટિગ્રેડેબલ, કેમિકલ ફ્રી અને પર્યાવરણહિતેષી અભિગમ સાથે તૈયાર કરાયેલી ઇકોફ્રેન્ડ્લી વસ્તુઓની બજાર માંગ વધતાં સ્થાનિક બહેનોને પણ સાથે જોડ્યાં, આ સાથે ગણેશજીની મૂર્તિની તાલીમ લીધી, જેમાં મારી સાથે હવે ૨૫ જેટલી બહેનો જોડાઈ છે, પોતે સ્વનિર્ભર બની છે અને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છે.

વિદેશમાં પણ મુર્તીઓની માગ વધી
રાજેશભાઈએ ઉમેર્યુ કે, ગુજરાત અને ભારત દેશ સહિત અમેરિકા અને દુબઈ સુધી પર્યાવરણમૈત્રી ગણેશજીની મૂર્તિઓ પહોંચી છે. વજનમાં હલકી આ પ્રતિમાઓનું નદીમાં વિસર્જન કરવાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારે નુકસાન થતું નથી તેમજ ઘરમાં વિસર્જન કરવાનથી તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. અત્યાર સુધી ગણેશજીની 5000 થી ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ ભક્તો-ગ્રાહકો સુધી પહોંચી છે, જેને લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજેશભાઈ વસાવા આદર્શ પશુપાલક તરીકે ઉભરી આવ્યા જ્યારે તેઓને વર્ષ 2017 માં જિલ્લાકક્ષાના અને વર્ષ 2022 માં રાજ્યકક્ષાના આદર્શ પશુપાલક તરીકેનો એવોર્ડ મળ્યો હતો. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ રાજ્યપાલની જિલ્લાની મુલાકાત વેળાએ સ્મૃતિચિન્હ સ્વરૂપે જે ‘કાઉ મોમેંટો’ અર્પણ કર્યો હતો, તે રાજેશભાઈ અને તેમની મહિલા ટીમની કલાત્મક કુશળતાથી તૈયાર થયો હતો.

રાજેશભાઈએ જેવી રીતે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને પોતાના પશુપાલન વ્યવસાયની સફરને આગળ વધાર્યો છે, અને તેઓએ આ વ્યવસાયને પોતાની સાથે સિમિત ન રાખતાં સ્થાનિક બહેનોને સાથે લઈને પર્યાવરણમૈત્રી બિઝનેસ મોડેલની શરૂઆત કરી છે, તે પ્રશંસાપાત્ર છે. રાજ્ય સરકાર પણ પ્રત્યેક નાગરિકને સરકારની લોકકલ્યાણકારી યોજનાનો લાભ આપીને તેમની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે.
