Narmada News: નર્મદા ડેમમાં 1.16 લાખ ક્યુસેક પાણીની આવક, સપાટી બે દિવસમાં એક મીટર વધી, તમામ દરવાજા હાલ બંધ

આવકની સરખામણીએ જાવક ઓછી હોવાના કારણે પાણીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બે દિવસમાં સપાટીમાં એક મીટર જેટલો વધારો થયો છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 21 Aug 2025 11:27 AM (IST)Updated: Thu 21 Aug 2025 11:27 AM (IST)
narmada-news-narmada-dam-water-level-rises-to-132-12-meters-amidst-heavy-inflow-589184

Narmada News: ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ફરીથી પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની સપાટી 132.12 મીટર સુધી પહોંચી છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવક વધી છે. હાલમાં ડેમમાં 1.16 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે.

નર્મદા ડેમના આરબીપીએચમાંથી 45,929 ક્યુસેક અને સીએચપીએચમાંથી 9,627 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. આવકની સરખામણીએ જાવક ઓછી હોવાના કારણે પાણીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. બે દિવસમાં સપાટીમાં એક મીટર જેટલો વધારો થયો છે. હાલ ડેમમાં કુલ 7,418 એમસીએમ જેટલું પાણી સંગ્રહિત છે.

જળવિતરણ માટેના બંને પાવરહાઉસ ટર્બાઇન સતત કાર્યરત છે, જેથી નદી અને કેનાલોમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે. 31 જુલાઈએ ખોલાયેલા ડેમના દરવાજા 14 દિવસ બાદ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં તમામ દરવાજા બંધ છે. જો ઉપરવાસમાં વરસાદ વધશે અથવા અન્ય ડેમમાંથી પાણીની આવક વધશે તો રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ફરીથી ખોલવાની શક્યતા છે.