Ahmedabad News: ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે અદ્યતન વેરિયન ટ્રુબીમ 3.0 રેડિયોથેરાપી સિસ્ટમનું ઉદઘાટન કર્યું હતું, જે ગુજરાતમાં કેન્સરની સચોટ સારવારની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉદઘાટન કાર્યક્રમમાં હોસ્પિટલની રેડિયેશન ઓન્કોલોજી ટીમ, અન્ય ઓન્કોલોજીસ્ટ અને ઓન્કોલોજી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વેરિયન ટ્રુબીમ 3.0 અત્યાધુનિક લીનિયર એક્સેલરેટર (એલઆઇએનએસી) છે, જે કેન્સરથી પીડિત દર્દીઓમાં બાહ્ય બીમ રેડિયોથેરાપી માટે ઉપયોગમાં લેવાય છે. તે હાઇ-એનર્જી એક્સ-રે સાથે જબરદસ્ત ચોકસાઇ પ્રદાન કરે છે તેમજ ટ્યુમરને ટાર્ગેટ કરવાની સાથે-સાથે આસપાસની તંદુરસ્ત પેશીઓ (ટિશ્યુ)ને સુરક્ષિત રાખે છે. તેનાથી દર્દીઓ ઝડપી સારવાર, ઓછી આડઅસર અને વધુ સારા પરિણામો મેળવે છે. સારવાર સાથે અદ્યતન ઇમેજિંગને એકીકૃત કરવાની તેની ક્ષમતાથી ડોક્ટર્સ પ્રત્યેક કેસમાં વધુ ચોકસાઇ સાથે થેરાપી હાથ ધરવા માટે સક્ષમ બને છે.
આ કાર્યક્રમને સંબોધિત કરતાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે અમદાવાદ એડવાન્સ્ડ હેલ્થકેર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં સમગ્ર ગુજરાત, પાડોશી રાજ્યો અને દેશોના દર્દીઓ સારવાર માટે આવે છે. અદ્યતન સારવારની સુવિધાની ઉપલબ્ધતા તથા ડોક્ટર્સની ક્લિનિકલ કુશળતા અત્યાધુનિક મેડિકલ કેરના કેન્દ્ર તરીકે શહેરની ઉપસ્થિતિને મજબૂત કરે છે તથા કેન્સરના દર્દીઓમાં નવી આશા જન્માવે છે.
આ ઉદઘાટન સમારોહમાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના સીઇઓ કમાન્ડર જેલ્સન કવલક્કટે યોગ્યતા ધરાવતા તમામ લાભાર્થીઓ સુધી કેન્સરની સારવારના લાભો પહોંચાડવા ગુજરાત સરકાર સાથે અપોલો કેન્સર સેન્ટરની ભાગીદારીને વધુ મજબૂત કરવાની આશા વ્યક્ત કરી હતી, જેથી નાણાકીય અવરોધોને કારણે કોઇપણ દર્દી સારવારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત થાય. તેમણે ઉમેર્યું હતું કે,વેરિયન ટ્રુબીમ 3.0ના ઇન્સ્ટોલેશન સાથે ગુજરાતમાં દર્દીઓને વિશ્વ-સ્તરીય કેન્સર કેર પ્રદાન કરવા ઉપર અમને ગર્વ છે. આ સિસ્ટમ ચોકસાઇ, કાર્યક્ષમતા અને દર્દીને સુવિધા પ્રદાન કરે છે, જેનાથી અમે સર્વોચ્ચ વૈશ્વિક ધોરણો અનુરૂપ સારવાર પૂરી પાડવા સક્ષમ બન્યાં છીએ. જરૂરિયાત ધરાવતા તમામ દર્દી સુધી આ લાભો પહોંચે તે સુનિશ્ચિત કરવાનું અમારું લક્ષ્ય છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે રેડિયેશન ઓન્કોલોજી વિભાગના વડા ડો. જે પી નીમાએ કહ્યું હતું કે આ સિસ્ટમની ઉત્તમ ઇમેજિંગ અને ઝડપ દર્દીઓ માટે સારવારને સરળ અને ઓછી તણાવપૂર્ણ બનાવે છે. ટૂંકા સેશનનો મતલબ તેઓ સારવાર દરમિયાન સરળતાથી તેમના રોજિંદા જીવનમાં પરત ફરી શકે છે. આ ઉપરાંત સિસ્ટમ સમગ્ર શરીરના રેડિયેશનને પણ સપોર્ટ કરે છે, જે કેટલાંક પ્રકારના હેમેટોલોજીક મેલિગ્નન્સી માટે મહત્વપૂર્ણ સારવાર છે. ટ્રુબીમ અમારી પાસે ઉપલબ્ધ વર્તમાન સુવિધાઓમાં ખરા અર્થમાં મૂલ્યવર્ધન છે.
અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિવેક બંસલે આ સિસ્ટમના ક્લિનિકલ લાભો હાઇલાઇટ કરતાં કહ્યું હતું કે ટ્રુબીમ 3.0થી અમે ઇમેજ ગાઇડન્સ હેઠળ સબ-મિલિમીટર ચોકસાઇ સાથે રેડિયોથેરાપી કરી શકીએ છીએ. તે નોર્મલ ટિશ્યુના ડોઝમાં ઘટાડો કરીને તેના મોશન મેનેજમેન્ટ સોફ્ટવેર સાથે ફેફસા, સ્તન અને પ્રોસ્ટેટ જેવાં ગતિશીલ ટાર્ગેટની સારવારમાં મદદરૂપ છે. આ ઓલ-ઇન-વન એલઆઇએનએસી છે, જ્યાં તમામ પ્રકારની સરળથી લઇને ખૂબજ વિશિષ્ટ સારવાર સંભવ છે, જે ડોક્ટર્સને સુગમતા આપે છે. વધુ સલામતી ઉપરાંત ટ્રીટમેન્ટ મશીન ઉપર હાઇ-એન્ડ ડિજિટલ ઇમેજિંગ અને 6ડી કાઉચ વધુ મહત્વપૂર્ણ પરિબળ છે, જે સારવારના સમયને ઓછો રાખતા ઉચ્ચ માત્રામાં દૈનિક ડોઝ ટ્રીટમેન્ટમાં મદદરૂપ બને છે, જેનાથી સારવાર 1-2 સપ્તાહમાં પૂર્ણ થઇ જાય છે, અન્યથા તેમાં છ સપ્તાહ કે વધુ સમય લાગશે.