Ahmedabad News: લેહના 58 વર્ષીય ટેક્સી ડ્રાઇવર ઉર્ગેન છોંજર પોતાના પત્ની, સંતાનો અને વૃદ્ધ માતા સાથે સરળ અને શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. પણ પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના પગલે લેહમાં પર્યટન ઠપ થઈ ગયું અને તેમનું જીવન અચાનક બદલાઈ ગયું. આવકનું મુખ્ય સાધન ગુમાવ્યા બાદ પરિવાર આર્થિક સંકટમાં ફસાઈ ગયો.
આ દરમ્યાન ઉર્ગેનજીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ અને લેહની હોસ્પિટલમાં તપાસ કરતાં ગંભીર હૃદયરોગ હોવાની વિગતો સામે આવી. તાત્કાલિક સર્જરી જરૂરી હતી, પણ ખર્ચ, સારવાર અને આશાની આશામાં તૂટી પડેલા પરિવાર માટે એ શક્ય લાગતું નહોતું.
ઉર્ગેનજીના પરિવારને અમદાવાદ સ્થિત શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં માર્ગદર્શન આપવામાં આવ્યું. લેહ સરકાર અને હોસ્પિટલ વચ્ચેના MOU અંતર્ગત, શ્રી ઉર્ગેન અને તેમના સહાયકના મુસાફરી ખર્ચ સહિત તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક કરવામાં આવી.
11 ઓગસ્ટ 2025ના રોજ, અમદાવાદ ખાતે ઉર્ગેનજીની અતિ જટિલ હાર્ટ સર્જરી સફળતાપૂર્વક અને સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવી. સારવાર દરમિયાન હોસ્પિટલના દરેક કર્મચારી તરફથી મળેલ સહાનુભૂતિભર્યો વ્યવહાર અને માનવીય સ્પર્શે પરિવારને આશ્ચર્યચકિત અને ભાવવિભોર કરી દીધા.
ઉર્ગેન ધીરેધીરે આરોગ્યલાભ લઈ રહ્યા છે. તેમની પત્નીએ કહ્યું કે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ એ અમારું જીવન બચાવ્યું છે. આ હોસ્પિટલ એવા દર્દીઓ માટે આશીર્વાદ છે, જેઓ જરૂર છે છતાં ખર્ચ ના હોઈને સારવાર મેળવી શકતા નથી.
શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ એ માત્ર સારવાર આપતી સંસ્થા નથી, તે માનવતાની સાચી પ્રતિમૂર્તિ છે, જ્યાં પ્રેમ, દયા અને નિ:સ્વાર્થ સેવાને આધારે જીવન બચાવવામાં આવે છે. હજારો દિલોને આશા, એકપણ રૂપિયા વગર.
દિલ વિધાઉટ બિલ' તરીકે ઓળખાતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ. રાજકોટ અને અમદાવાદ, છેલ્લા 25 વર્ષથી આરોગ્ય સેવા ક્ષેત્રે માનવતાની અનોખી સુગંધ ફેલાવી રહી છે.
આ હોસ્પિટલ દ્વારા દેશના વિવિધ રાજ્યો - ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને લેહ-લદ્દાખ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેના આધારે ત્યાંના હૃદયરોગી દર્દીઓને અહીં સંપૂર્ણપણે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
ગુજરાતની આ બે હોસ્પિટલોએ અત્યાર સુધી ભારતના 8 રાજ્યોમાંથી અને દેશની કુલ વસ્તીના 60% થી વધુ ભાગમાંથી આવેલા હજારો દર્દીઓને જીવનદાન આપ્યું છે.
સૌથી સામાન્ય માણસને પણ જીવનની શ્રેષ્ઠ સારવાર મળી રહે, ત્યારે જ સાચી માણસાઈ ટકી શકે. માનવ સેવા એજ પરમ ધર્મ – તેનું જીવંત ઉદાહરણ છે આ બંને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલો.