Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દસ્ક્રોઈના પ્રેમી પંખીડાના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતીએ મોટા જલુંદરા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં કૂદીને મોતને વ્હાલું કર્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે મોટા જલુંદરા નજીક નર્મદા કેનાલમાં યુવક અને યુવતીના મૃતદેહ તણાઈ રહ્યા હોવાની જાણ થતાં દહેગામ નગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ સમયે યુવક અને યુવતીના હાથ દુપટ્ટા વડે બાંધેલા હતા. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહનો કબજો બહિયલ પોલીસને સોંપતા તેમની ઓળખ મેળવવાન દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
પોલીસની તપાસમાં યુવકની ઓળખ અજય ઉર્ફે વિજય પરમાર તરીકે થઈ છે, જે તેના મોસાળ કુજાડ ગામમાં વિધવા માતા સાથે રહેતો હતો. જ્યારે યુવતીની ઓળખ કિંજલ વાઘેલા (21) તરીકે થઈ છે, જેનું સાસરું પણ કુજાડ ગામમાં આવેલું હતુ. જેના કારણે બન્ને વચ્ચે પ્રેમપાંગર્યો હતો.
કિંજલના પિતા બીમાર હોવાથી તે વીસેક દિવસથી વહેવાલના ઝાણું સ્થિત તેના પિયરમાં ગઈ હતી. બે દિવસ પહેલા કિંજલ સાસરીમાં આવવાનું કહીને નીકળી હતી, પરંતુ કુજાડ પહોંચી નહતી. આ દરમિયાન ગઈકાલે કેનાલમાંથી કિંજલ અને અજયના મૃતદેહ મળી આવ્યા હતા.
આ જન્મમાં એક નહી થઈ શકીએ તેમ લાગતા બન્ને જણાએ જિંદગી ટૂંકાવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો પોલીસે બન્નેના મૃતદેહો પરિવારજનોને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.