Surat News:રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025નું આયોજન, યુનિક અને સામાજિક પ્રેરક સંદેશ આપતા શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલોને મળશે પુરસ્કાર

આ સ્પર્ધાનો હેતુ ગણેશોત્સવની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવના, લોક કલાને પ્રોત્સાહિત કરવાનો છે. સુરતમાં વર્ષોથી ગણેશોત્સવ ભવ્યતાથી મનાવવામાં આવે છે

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Thu 21 Aug 2025 11:43 PM (IST)Updated: Thu 21 Aug 2025 11:44 PM (IST)
state-government-organizes-best-ganesh-pandal-competition-2025-589620

Surat News: રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમ જ પરંપરાગત લોકસંસ્કૃતિ, આપણો કલા-વારસો જન-જન સુધી પહોંચે એવા ઉમદા આશયથી કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025 નું આયોજન રાજ્યના ચાર મહાનગરો; સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ તેમજ ૨૯ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોને પુરસ્કાર આપવામાં આવશે.

પ્રથમ ક્રમના વિજેતા શ્રેષ્ઠ ગણેશ પંડાલને રૂ.પાંચ લાખ, દ્વિતીય ક્રમને રૂ.ત્રણ લાખ અને અને તૃતીય ક્રમના ગણેશ પંડાલને રૂ. દોઢ લાખના પુરસ્કારથી સન્માનિત કરાશે. અન્ય પાંચ પંડાલોને પ્રોત્સાહન પુરસ્કાર રૂપે પ્રત્યેકને રૂ.1 લાખ આપવામાં આવશે.
આ પ્રતિયોગિતા સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ અને પો. કમિશનર અનુપમસિંહ ગહલોત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસરની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરીને ચોક્ક્સ થીમ આધારિત 'શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025' યોજવામાં આવશે.

જેમાં મંડપ શણગાર, કલાત્મક અને આકર્ષક સજાવટ, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી પર્યાવરણને અનુકૂળ- ઇકોફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ, ઓપરેશન સિંદૂર, રાષ્ટ્રભાવના અને દેશભક્તિ, સ્વદેશી (વોકલ ફોર લોકલ), પંડાલની સ્થળ પસંદગી જેવી થીમને ધ્યાનમાં લેવામાં આવશે.

ગણેશ મહોત્સવ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'ના ગૌરવપૂર્ણ ઇતિહાસ અને દેશભક્તિ પર આધારિત સુશોભન તેમજ વડાપ્રધાનના 'સ્વદેશી'ના આહ્વાન અંતર્ગત સ્વદેશી વસ્તુઓના ઉપયોગ એમ બે થીમના આધારે શ્રેષ્ઠ રીતે પંડાલ તૈયાર કરનાર જૂથને મૂલ્યાંકન કરી પ્રોત્સાહન આપવામાં આવશે.

શહેર-જિલ્લામાં આ સ્પર્ધાના આયોજન અંતર્ગત સુરત મહાનગરપાલિકા કક્ષાએ ‘મહાનગરપાલિકાની સ્થાનિક અમલીકરણ સમિતિ’ બનાવવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે મ્યુ. કમિશનર, સભ્ય સચિવ તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી અને સભ્યો તરીકે જિલ્લા શિક્ષણાધિકારી, નાયબ પોલીસ કમિશનર, શાસનાધિકારી અને એક આમંત્રિત સભ્યનો સમાવેશ કરાયો છે.