Surat: છેલ્લા કેટલાક દિવસથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. આજે વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ રોગચાળાએ માઝા મૂકી હોય તેમ તાવ, ઝાડા અને ઉલટીના દર્દીઓ વધી રહ્યા છે. એવામાં શહેરના રાંદેર, લિંબાયત અને સચિન વિસ્તારમાં બાળકી સહિત 3 લોકોના મોત નીપજ્યા છે.
રાંદેર સ્થિત રામનગર નજીક રહેતા કસરન સોલંકી મજૂરી કરીને પત્ની અને ચાર સંતાનોના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 3 પુત્રીઓ પૈકી 7 વર્ષની દીકરી ક્રિષ્નાને છેલ્લા 2 દિવસથી તાવ આવતો હતો, જેની દવા પણ લીધી હતી.
જો કે આજે સવારે ક્રિષ્નાની તબિયત વધુ લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો
બીજા બનાવમાં લિંબાયત સ્થિત આસપાસ નગર નજીક રહેતા મીરાબેન ગુપ્તા (65)ને ગત 19 ઓગસ્ટના રોજ અચાનક ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન મીરાબેનનું પણ મોત નીપજ્યું છે.
જ્યારે ત્રીજો બનાવ સચિન વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં અહીના શિવનગરમાં પરિવાર સાથે રહેતો અક્ષ બ્રહ્મભટ્ટ (16) ધો.12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે અક્ષને તાવ આવતા મેડિકલમાંથી દવા લીધી હતી. જો કે તબિયતમાં કોઈ ફેર નહતો પડ્યો. આજે સવારે અક્ષ સૂઈ ગયો હતો. બપોરે નોકરી પરથી પરત ફરેલી માતાએ અક્ષને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ના ઉઠતા આખરે 108ની મદદથી સારવાર અર્થે નવી સિવિલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ અક્ષને મૃત જાહેર કર્યો હતો.