Gandhinagar News: ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન 23માં દિવસે પણ યથાવત, મહારેલી યોજે એ પહેલા જ પોલીસ દ્વારા 50થી વધુની અટકાયત

મળતી માહિતી મુજબ, મહારેલી યોજાય એ પહેલાં જ આજે વહેલી સવારથી સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. શહેરના પ્રવેશ માર્ગો પર ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 19 Aug 2025 01:15 PM (IST)Updated: Tue 19 Aug 2025 01:15 PM (IST)
gandhinagar-news-ex-soldiers-agitation-in-enters-23rd-day-50-detained-before-rally-588058

Gandhinagar News: ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે માજી સૈનિકો દ્વારા ચાલી રહેલું આંદોલન આજે 23મા દિવસે પણ યથાવત્ છે. માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, રેલી પહેલાં જ પોલીસે કાર્યવાહી કરીને 50થી વધુ માજી સૈનિકોની અટકાયત કરી છે. આ કાર્યવાહી અંગે DySPએ જણાવ્યું હતું કે મહારેલી માટે પરવાનગી આપવામાં આવી ન હતી.

મળતી માહિતી મુજબ, મહારેલી યોજાય એ પહેલાં જ આજે વહેલી સવારથી સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. શહેરના પ્રવેશ માર્ગો પર ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી અને તમામ વાહનોને ચેક કરીને જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. પોલીસે અલગ અલગ નાકા પોઇન્ટ પરથી માજી સૈનિકોને ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

DySP ડી. ટી. ગોહિલે જણાવ્યું હતું કે માજી સૈનિકોને મહારેલીની પરમિશન આપવામાં આવી નથી, જેના કારણે તેમને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. મહારેલીના પગલે અધિકારીઓ સહિત 400 જેટલા પોલીસ જવાનોને અલગ અલગ સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. સચિવાલય માર્ગો પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વાહનોની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. દરેક વાહનચાલકનું આઈકાર્ડ ચેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે.

માજી સૈનિક સેવા સંગઠનના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે જણાવ્યું હતું કે સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા પાંચ સૈનિકો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. મંગળવારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે સત્યાગ્રહ છાવણીથી શરૂ થઈ સચિવાલય અને કોબા કમલમ સુધી જશે અને પરત છાવણી પર આવશે. આક્ષેપ છે કે અનામતના નિયમો હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી, જેના કારણે અનેક વિસંગતતાઓ સર્જાય છે.