Junagadh: જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં સતત બીજા વર્ષે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ઘેડ પંથકના ઈન્દ્રાણા, જોનપુર, બામણસા, કોયલણા સહિતના અનેક ગામોમાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. નદીના પાળા તૂટતા મોટા પ્રમાણમાં ખેતરો ધોવાઈ ગયા છે.

ખેડૂતોએ બળાપો ઠાલવતા જણાવ્યું કે, સરકારે ઘેડ પંથકમાં નદીઓને પહોળી અને ઊંડી ઉતારવા માટે પેકેજની જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી.

જૂનાગઢ જિલ્લાના ડેમો ઓવરફ્લો થતાં તેનું પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યું છે. જેના પરિણામે ખેડૂતોએ કરેલું વાવેતર ધોવાઈ ગયું છે. એકલા જોનપુર ગામમાં અંદાતે 1000 થી 1200 વીઘા જમીનના પાકને નુકસાન થયું છે.
આ પરિસ્થિતિમાં રસ્તાઓ પણ ધોવાઈ જવાથી એક ગામથી બીજા ગામમાં જવું મુશ્કેલ બન્યું છે અને દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં પણ ભારે હાલાકી પડી રહી છે.

સ્થાનિક ખેડૂત ભીખન સોલંકીએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, મેં મારા સાડા સાત વીઘા ખેતરમાં મગફળી વાવી હતી. જે હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. મારા 90 ટકા પાકને નુકસાન થયું છે.