Bhadarvi Poonam Melo: અંબાજીનો ભાદરવી પૂનમનો મહામેળો આગામી 1 સપ્ટેમ્બરથી થશે શરૂ: આરતી-દર્શનના સમયમાં વધારો, જાણો નવો સમય

આ મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, તેમને સરળતાથી દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરીને વધારો

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 23 Aug 2025 12:53 PM (IST)Updated: Sat 23 Aug 2025 12:53 PM (IST)
ambajis-bhadarvi-poonam-mela-begins-september-1-with-extended-aarti-darshan-timings-for-devotees-590463
HIGHLIGHTS
  • અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાને લઈ આરતીના સમયમાં ફેરફાર થયો.
  • ચંદ્રગ્રહણ હોવાથી બપોરે ૧૨:૩૦ કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિર બંધ.

Bhadarvi Poonam Melo: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમનો મહામેળો તારીખ 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે 7 સપ્ટેમ્બર સુધી એટલે કે કુલ સાત દિવસ ચાલશે. આ મહામેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, તેમને સરળતાથી દર્શનનો લાભ મળી રહે તે માટે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરીને વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભક્તોને વધુ અનુકૂળતા રહેશે.

સામાન્ય દિવસોમાં સવારની આરતી 7:30 કલાકે થાય છે, પરંતુ મેળાના સાત દિવસ દરમિયાન સવારની આરતી વહેલી સવારે 6:00થી 6:30 સુધી થશે. સવારના દર્શનનો સમય 6:30થી 11:30 કલાક સુધીનો રહેશે. બપોરે દર્શન 12:30થી સાંજના 5:00 કલાક સુધી ખુલ્લા રહેશે. જ્યારે સાંજની આરતી 7:00થી 7:30 કલાક સુધી થશે અને રાત્રિના દર્શનનો સમય રાત્રે 9:00 ના બદલે મોડી રાત્રે 12:00 કલાક સુધી લંબાવવામાં આવ્યો છે. આ નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

જોકે, આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાને કારણે દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરાયો છે. અધિક કલેક્ટર કૌશિક મોદીના જણાવ્યા મુજબ, ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ મંદિરના પટ બંધ કરી દેવામાં આવશે. આ સમય પછી મંદિરના શિખર પર ધજા ચડાવી શકાશે નહીં. બપોરે 12:30 થી સાંજના 5:00 કલાક સુધી ભક્તો માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકશે અને ત્યારબાદ મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. બીજા દિવસે એટલે કે એકમના દિવસે સવારની મંગળા આરતી 8:00 કલાકે થશે.