Ahmedabad: અમદાવાદમાં ગુનેગારોને કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ ધોળા દિવસે ચોરી, લૂંટ, હત્યા, મારામારી જેવા બનાવો સામાન્ય થઈ ગયા છે. અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતો વધુ એક બનાવ શહેરના કાગડાપીઠ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં ગેંગવૉરમાં એક યુવકની સરેઆમ ઘાતકી હત્યા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિપુલ અને સતીશની ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈના પરિણામે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. જેમાં સતીશ અને તેની ગેંગ દ્વારા વિપુલ નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેનો બદલો લેવા માટે વિપુલ સતીશને શોધી રહ્યો હતો. આ દરમિયાન સતીશનો ભાઈ દીપક ઉર્ફે હુક્કો વિપુલ અને તેની ગેંગના હાથમાં આવી જતાં તેને ઢોરમાર મારીને અધમુઓ કરી નાંખ્યો હતો.
પોતાના ભાઈ દીપકને હોસ્પિટલમાંથી રજા મળતા જ સતીશે બદલો લેવાનું નક્કી કર્યું હતુ. આથી વિપુલ અને તેની ગેંગે સતીશની ગેંગના નીતિન નામના યુવકનું અપહરણ કરીને મેઘાણીનગર સ્થિત પટણીનગરમાં લઈ ગયા હતા. જ્યાં ધારિયા, લોખંડની પાઈપો અને દંડા વડે બેરહેમીથી ફટકાર્યો હતો. જે બાદ ગંભીર હાલતમાં નીતિનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ મામલે કાગડાપીઠ પોલીસે વિજય, શૈલેષ અને પૂનમ પટણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.