પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ, 24 કલાક સાબરકાંઠા સહિત 13 જિલ્લામાં 1 થી 4 ઈંચ વરસાદ પડશે

બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન વેલમાર્ક લો પ્રેશર બનીને ગુજરાત ઉપરથી ભલે પસાર થઈ ગયું હોય, પરંતુ તેનો સિયર ઝોન અરબ સાગર સુધી લંબાયેલો હોવાથી વરસાદ પડશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 23 Aug 2025 11:24 PM (IST)Updated: Sat 23 Aug 2025 11:24 PM (IST)
paresh-goswami-ni-agahi-13-district-along-with-sabarkantha-rain-forecast-for-next-24-hours-590771
HIGHLIGHTS
  • 16 થી 24 ઓગસ્ટ સુધીના વરસાદના રાઉન્ડનો કાલે છેલ્લો દિવસ
  • ભરૂચ, સુરત અને નર્મદામાં 1 થી 2 ઈંચ વરસાદ પડી શકે છે

Paresh Goswami Ni Agahi: બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન વેલામાર્ક લો પ્રેશર બનીને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું હતું, જેના પરિણામે ગુજરાતમાં 16 થી 24 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે.એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 24 કલાકમાં રાજ્યના 13 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આવતીકાલે વરસાદના રાઉન્ડનો અંતિમ દિવસ છે, ત્યારે આગામી 24 કલાક એટલે કે 24 ઓગસ્ટ રાત સુધીમાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં તીવ્રતાથી વરસાદ પડી શકે છે.

જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને વાપી જેવા જિલ્લાઓમાં 24 કલાક દરમિયાન 2 થી 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.જ્યારે ભરૂચ, સુરત અને નર્મદા જેવા જિલ્લામાં 1 થી 2 ઈંચ વરસાદ પડશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જેવા જિલ્લાઓમાં 3 થી 5 ઈંચ જેટલો વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમકે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છમાં સામાન્ય થી હળવો વરસાદ વરસી શકે છે.

આવી જ રીતે મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા જેવા જિલ્લાઓમાં આવતીકાલે મોડી રાત સુધી 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં 2 થી 5 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, સાબરકાંઠા જિલ્લામાં જ 2 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા જિલ્લાઓમાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ગઈ છે. જો કે અરબ સાગર સુધી તેનો સિયર ઝોન લંબાયેલો હોવાના કારણે હજુ પણ 24 કલાક સુધી વરસાદ પડવાની સંભાવના છે.