Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં વરસાદ ખેંચી લાવતી એકસાથે પાંચેક જેટલી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત દ્વારા 16 થી 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જો કે હાલ પુરતુ વરસાદનું જોર ઘટ્યું છે અને ક્યાંક ઝાપટા તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત દ્વારા આગામી દિવસોમાં વરસાદની શક્યતાને લઈને મોટી આગાહી કરી છે.
વરસાદની તીવ્રતા જરૂર ઘટી, પરંતુ મેઘાવી માહોલ યથાવત રહેશે
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમના કારણે રાજ્યમાં 24 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જે અંતર્ગત 18 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના જિલ્લાઓમાં 10 થી 15 ઈંચ સુધીના વરસાદ નોંધાયા છે. જો કે ગઈકાલે 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા ઘટી ગઈ છે, પરંતુ હજુ બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
મોટાભાગે ચોમાસુ ધરી જ્યારે ગુજરાત નજીક આવે, ત્યારે લગભગ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો સુધી આવતી હોય છે. જો કે આ વખત ચોમાસુ ધરી કચ્છ, મધ્ય ગુજરાત, વડોદરા થઈને મધ્ય પ્રદેશ ઉપર થઈને બંગાળની ખાડી તરફ જતી હતી. એટલે ખૂબ નીચે આવી ગઈ હતી જેને કારણે પણ અતિવૃષ્ટિ આપણે જોવા મળી છે.
હવે ચોમાસુ ધરી પણ ધીમે-ધીમે ઉપર એટલે કે ઉત્તરની તરફ ખસી રહી છે. જેને કારણે હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ આવનારા બે થી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા જેવા જિલ્લાઓમાં 1 થી 3 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.
જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપરાંત મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે મહીસાગર, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લામાં 1 થી 4 ઈંચ સુધીનો તેમજ આઈસોલેટેડ વિસ્તારમાં 5 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
આમ 24 ઓગસ્ટ સુધીના હજુ બે દિવસ સુધી રાજ્યના ઉપરોક્ત 13 જેટલા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે. આ સિવાય અન્ય ભાગોમાં પણ હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે.