Vadodara: વડોદરાના આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં થયેલી ઘટનાએ ચિંતા જગાવી છે. ધોરણ 7ના બે વિદ્યાર્થીઓ વચ્ચે સીટ પર બેસવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદમાં ઉગ્ર બની ગઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ગુસ્સામાં આવી બીજા વિદ્યાર્થીના મોઢા પર નખ મારી દીધા હતા. જો કે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે 'ચપ્પુ લહેરાવવા' અને 'હુમલો' થયાના ખોટા આક્ષેપો સાથેની પોસ્ટ વાઇરલ થઈ હતી, પરંતુ પોલીસે પ્રાથમિક તપાસમાં આ આક્ષેપોને ખોટા સાબિત કર્યા છે.
શરૂઆતમાં સામાન્ય લાગતી તકરાર બાદમાં ઉગ્ર બની ગઈ અને એક વિદ્યાર્થીએ ગુસ્સામાં આવી બીજા વિદ્યાર્થીના મોઢા પર નખ મારી ઇજા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ સ્કૂલની નર્સે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપી હતી. ઈજા ગંભીર ન હોવાથી વિદ્યાર્થી બાદમાં ડાન્સ રૂમમાં પણ ગયો હતો.
ચપ્પુ નહીં, માત્ર પ્લાસ્ટિકનું રમકડું જ હતું- વાઘોડિયા પોલીસ
વાઘોડિયા પોલીસ મથકના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે- પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી કોઈ ધારદાર હથિયાર લઈને આવ્યો નહોતો. શાળામાં નિયમિત બેગ ચેકિંગ થાય છે, જેની ખાતરી સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓએ પણ આપી છે. પીઆઈએ વધુમાં જણાવ્યું કે આવતીકાલે શાળાના CCTV ફૂટેજ ચકાસવામાં આવશે જેથી સમગ્ર હકીકત સ્પષ્ટ થાય. જો કોઈ ગુનાહિત ઈરાદો જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયામાં જે 'ચપ્પુ બતાવવા'નો મેસેજ વાઇરલ થયો હતો, તે તદ્દન ખોટો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, "ઘટનામાં માત્ર પ્લાસ્ટિકનું રમકડું હતું, જેને સ્કૂલ મેનેજમેન્ટે જપ્ત કરી લીધું છે." શાળા દ્વારા વિદ્યાર્થીઓની બેગની નિયમિત તપાસ કરવામાં આવે છે, જેની ખાતરી સ્કૂલ મેનેજમેન્ટે આપી છે.
વાલીઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો
આ મામલે બંને વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે માત્ર સ્કૂલ મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી છે. ઈજા પામેલા બાળકના વાલીઓએ તો સ્કૂલમાં માફી પત્ર પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના મોટા ભાઈનો પણ અગાઉ સ્કૂલમાં ઝઘડો થયો હતો, જેમાં માફી પત્ર લખાવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓ આવતીકાલે સ્કૂલના CCTV ફૂટેજની તપાસ કરશે અને જો કોઈ ગુનાહિત પાસું જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીઆઈ જાડેજાએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને ખોટા મેસેજ ન ફેલાવવા અપીલ કરી છે.
શાળાની સુરક્ષા અને કાઉન્સેલિંગની જરૂરિયાત
આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં સુરક્ષા અને વિદ્યાર્થીઓમાં વધતી આક્રમકતા અંગે ચર્ચા ઊભી કરી છે. નિષ્ણાતોના મતે, આવી ઘટનાઓ અટકાવવા માટે શાળાઓમાં વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ, તેમના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને સુરક્ષાના પગલાં વધુ મજબૂત કરવા જરૂરી છે. આ ઘટના માત્ર એક અકસ્માત નહિ, પરંતુ સમાજ અને શાળાઓ માટે એક મોટો સંદેશ છે.