Gandhinagar News: આજે વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિસાવદરની બહેનોને વિધાનસભાની મુલાકાત કરાવી. વિધાનસભા ખાતેથી ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા તમામ બહેનોને સાથે રાખીને વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજરોજ મારા મતવિસ્તારના ભેંસાણ તાલુકાના તમામ ગામમાંથી અલગ અલગ સમાજની 150 કરતા પણ વધુ બહેનોને ગાંધીનગર પ્રવાસમાં લાવીને તેમની સાથે રહીને ગુજરાતની વિધાનસભા બતાવી.
ગામડાના વ્યક્તિઓ ભાગ્યે જ વિધાનસભા અંદર જઈ શકે છે ત્યારે મને એક વિચાર આવ્યો કે હું અમારા ગામડાની બહેનોને વિધાનસભા બતાવીશ. આખો દિવસ ખેતરોમાં મજૂરી કરતી અમારી બહેનો પણ જીવનમાં એક વખત વિધાનસભાના બિલ્ડીંગની ભવ્યતા સગી આંખે જોવે તો એમને પણ ખ્યાલ આવે કે એમનો મત ક્યા જાય છે?
સરકાર એટલે શું? કેબિનેટ એટલે શું? અધ્યક્ષનું કામ શું? સદનમાં કોણ ધારાસભ્ય ક્યા બેસે? ગોપાલ ઈટાલિયા ક્યા બેસશે? કાયદો કેવી રીતે બને? સદનમાં કોણ બોલી શકે? ખરડો એટલે શું? સચિવાલય એટલે શું? વિધાનસભા તેમજ સચિવાલયમાં શું ફર્ક છે? જેવા અનેક પ્રશ્નોના જવાબો અમારી માતાઓ-બહેનોએ વિધાનસભાના ગૃહમાં બેસીને મેળવ્યા.
જીવનમાં પહેલીવાર ગાંધીનગર તેમજ જીવનમાં પહેલીવાર વિધાનસભાનું ગૃહ જોઈને અમારી માતાઓ-બહેનો અત્યંત રાજીપો વ્યક્ત કર્યો. વિધાનસભામાં પ્રવેશ અને સુરક્ષા સંબંધિત તમામ વ્યવસ્થા કરી આપવા બદલ હું વિધાનસભા સચિવાલયના સૌ સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. વિસાવદરની બહેનોએ મને વિધાનસભામાં મોકલ્યો માટે આજે એ બહેનોને લઈને હું વિધાનસભામાં આવ્યો તેની મને ખુશી છે.