Vadodara: વડોદરાના ગોરવા GIDC વિસ્તારમાં આવેલી એક ATMમાં રૂપિયા લોડિંગ કરતી કંપનીમાં મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. કંપનીના લોડર કર્મચારીએ જ ₹9.99 લાખની રોકડ રકમની હેરાફેરી કરી હતી, જેને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી, ચોરાયેલી રકમ પરત મેળવી છે.
શું હતો મામલો?
સી.એમ.એસ. એમ્ફો સિસ્ટમ્સ લિમિટેડના ઓપરેટર મેનેજર ઘનશ્યામભાઈ ચૌહાણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કંપની ગુજરાતભરમાં વિવિધ બેંકોના ATMમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે. ગત 12 ઓગસ્ટે, હાલોલના ICICI બેંકના ATMમાં ₹21 લાખ લોડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 14 ઓગસ્ટે જ્યારે કંપનીની ગાડી પરત ફરી, ત્યારે રોકડની ગણતરી કરતી વખતે ₹9.99 લાખની રકમ ઓછી જણાઈ હતી. તપાસ દરમિયાન, કંપનીના લોડર કર્મચારી અક્ષય માળી પર શંકા ગઈ.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને ખુલાસો
ગોરવા પોલીસને મળેલી બાતમીના આધારે, તેમણે અક્ષય માળીના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, અક્ષય પાસેથી ચોરાયેલી ₹9.99 લાખની રોકડ અને ગાયબ થયેલી કેસેટ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અક્ષય માળીએ કબૂલ્યું કે તે ઓનલાઇન ગેમિંગના દેવામાં ફસાયેલો હતો. આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે તેણે આ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી અક્ષય માળીની ધરપકડ કરી, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઇન ગેમિંગના વ્યસનના ગંભીર પરિણામો સામે લાવ્યા છે.