Ankleshwar: ભરૂચથી સુરત તરફ જતાં નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા ચાર દિવસથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. આજે લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા. આ સમસ્યા હાઇવેના બિસ્માર રસ્તાઓ અને આમલાખાડી પરના સાંકડા પુલને કારણે સર્જાઈ છે.
આ માર્ગ પર વાહનોની ભારે અવરજવર થતાં ટ્રાફિકનો ભાર વધ્યો છે. ઉપરાંત, અંકલેશ્વર-દહેજ ઔદ્યોગિક વિસ્તાર તરફ જતાં વાહનોને પણ આ જ માર્ગનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકો, કામદારો અને ઉદ્યોગકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ટ્રાફિક જામને કારણે માત્ર સમય અને ઈંધણનો બગાડ જ નથી થતો, પરંતુ ઉદ્યોગોની ઉત્પાદનક્ષમતા પર પણ માઠી અસર પડે છે. આ માર્ગ અંકલેશ્વર-દહેજ ઔદ્યોગિક વિસ્તારને જોડતો હોવાથી આ સમસ્યા વધુ ગંભીર બની છે.
આ પણ વાંચો

જનતાની અપીલ, તંત્રની ઉપેક્ષા
સ્થાનિકો અને ઉદ્યોગ સંગઠનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોએ સરકારને તાત્કાલિક પગલાં લેવા, રસ્તા અને પુલનું વિસ્તરણ કરવા અને આધુનિક સુવિધાઓ ઊભી કરવાની માંગ કરી છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ ન આવે તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેવી આશંકા છે.