Bharuch News: ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા કેટરિંગ વ્યવસાયના સંચાલક પ્રકાશ માલીની અજાણ્યા શખ્સોએ નિર્દયી રીતે હત્યા કરી નાખી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના આશીર્વાદ સોસાયટીના બી-13માં રહેતા પ્રકાશ માલી મૂળ રાજસ્થાનના વતની હતા અને તેઓ ભરૂચમાં વર્ષોથી 'શ્રી રામદેવ પીર કેટરર્સ' નામથી કેટરિંગનો વ્યવસાય ચલાવતા હતા. આજે સવારે તેમના ઘરેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ પ્રકાશ માલીના હાથ-પગ બાંધીને તેમને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટના જાણી થતા જ સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
મામલાની જાણ થતા એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે.
હાલ આ હત્યા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે પ્રાથમિક તબક્કે ચોરી, જૂની રંજિશ સહિતની તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી કૅમેરાની ફૂટેજ તપાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. પ્રકાશ માલીની નિર્દયી હત્યાની ઘટના ભરૂચમાં ચચાનો વિષય બની ગઈ છે. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં આરોપીઓ પોલીસની પકડડમાં હશે.