Bharuch News: ભરૂચ જિલ્લાના આંગણવાડી કાર્યકર બહેનોને રાત્રિના સમયે અશ્લીલ (ન્યુડ) વીડિયો કોલ કરીને જાતીય સતામણી કરનાર આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે પંજાબ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે સફળતાપૂર્વક આરોપીને શોધી કાઢ્યો હતો. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ભરૂચ જિલ્લાના એક આંગણવાડી કાર્યકર બહેનને, ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (ICDS) દ્વારા આપવામાં આવેલ સરકારી મોબાઇલ નંબર પર, અજાણ્યા વ્યક્તિએ રાત્રિના સમયે ન્યુડ વીડિયો કોલ કર્યો હતો. કોલ દરમિયાન આરોપીએ અશ્લીલ હરકતો કરી અને જાતીય માંગણી કરી હતી આ જ વ્યક્તિએ જિલ્લામાં અલગ-અલગ સ્થળે ફરજ બજાવતી અન્ય આંગણવાડી બહેનોને પણ આ જ રીતે કોલ કરી માનસિક રીતે હેરાન કરવાનું કૃત્ય કર્યું હતું.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક ટેકનીકલ માહિતી મેળવી, કોલના સોર્સની ટ્રેસિંગ શરૂ કરી હતી. ડિજિટલ ફોરેન્સિક એનાલિસિસ અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે, આરોપીની ઓળખ પંજાબ રાજ્યના ફિરોઝપુર જિલ્લાના જલાલાબાદ તાલુકાના ચક મેઘા વિરાન ગામનો રહેવાસી ગુરજીતસિંઘ મેહિલસિંઘ રાયશિખ તરીકે થઈ હતી.
પોલીસ ટીમે પંજાબમાં ખાસ ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી પાડી તેની કાયદેસરની કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ મહિલાઓને અશ્લીલ કોલ અને મેસેજ દ્વારા સતાવતો હતો, પરંતુ તે અન્ય રાજ્યમાં રહેવાને કારણે પકડથી દૂર રહ્યો હતો.