Castor Farming In Gujarat: મગ, સૂર્યમુખી, સોયાબીન, અડદ, તલ, કપાસ તથા મગફળી સાથે દિવેલાનો આંતરપાક ખુબ જ સરળતાથી લઈ શકાય છે. ગુજરાત રાજ્યના ખેડૂતોને વધુ ઉત્પાદન લેવા દિવેલાની જીયુસી-1, જીસી 2 અને જીસી 3 જેવી સુધારેલ જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે.
દિવેલની ખેતી કેવી રીતે કરવી
ચોમાસામાં વવાતા પાકોને ભલામણ કરેલા સમયે 5 કે 6 ફૂટના અંતરે એક લાઈન દિવેલાની વાવણી કરવામાં આવે છે. ત્યારબાદ ઓગસ્ટ માસના બીજા પખવાડિયા દરમિયાન ખાલી રાખેલ લાઇનમાં દિવેલાની વાવણી બે છોડ વચ્ચે 60 થી 75 સે.મી. અંતર રાખીને કરવામાં આવે છે.
આ પણ વાંચો
બીજ સંસ્કાર અને ઘન જીવામૃત :
સારા ઉગાવા, રોગ-જીવાત સામે રક્ષણ મેળવવા અને સારું ઉત્પાદન મેળવવા દિવેલાના બીજને બીજામૃતથી સંસ્કારિત કરવા. બીજામૃતનો પટ આપી બીજને છાયડામાં સૂકવી વાવેતર કરવું. બીજામૃતની માવજતથી ઉગાવો ઝડપથી અને સારો થાય છે ઉપરાંત પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય. વાવેતર સમયે 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને 1 એકર જમીનમાં નાખો. પાક અવશેષોનું મલ્ચીંગ કરવું, ત્યારબાદ મહિનામાં એક વાર જમીન ઉપર 200 લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃત પાક ઉપર છાંટો.
વાવણી સમય :
પિયત ખેતી માટે દિવેલાની વાવણી 15મી ઓગસ્ટની આજુબાજુ અને બિનપિયત દિવેલાની જુલાઈ માસમાં પૂરતો વરસાદ થયે વાવણી કરવામાં આવે છે. દિવેલાની જીએયુસીએચ-1 જીસીએચ-7 અને જીસીએચ-8 જાતોનું વાવેતર જુલાઇ ઓગસ્ટ માસમાં 120x90 સેન્ટીમીટરના અંતરે કરવુ.
રાસાયણિક ખેતીમાથી પ્રાકૃતિક ખેતીમાં આવીએ ત્યારે પ્રથમ વર્ષમાં જમીનને જીવંત બનાવવાનો પ્રયત્ન કરવો. પાક લીધા પહેલા લીલા ખાતરના રૂપમાં શણ કે ઈકકડ કે કઠોળનો પાક લેવો અને યોગ્ય સમય પર જીવામૃત પાકને આપતાં રહો.
જીવામૃતનો જમીનમાં ઉપયોગ-વાવેતર બાદ એક એકર જમીનમાં 200 લિટર જીવામૃત પાણી સાથે આપવું. ત્યાર બાદ મહિનામાં બે વાર 200 લિટર જીવામૃત પ્રતિ એકર પ્રમાણે જમીનમાં આપવું અથવા પિયતના પાણી સાથે આપવું.
જીવામૃતનો પાક ઉપર છંટકાવ
- પ્રથમ છંટકાવ : વાવેતરના એક મહિના પછી 5 લિટર જીવામૃતને 100 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- બીજો છંટકાવ : પહેલા છંટકાવના 21 દિવસ પછી 7.5 લિટર જીવામૃતને 120 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- ત્રીજો છંટકાવ : બીજા છંટકાવના 21 દિવસ પછી 10 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- ચોથો છંટકાવ : ત્રીજા છંટકાવના 21 દિવસ પછી 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો.
- પાંચમો છંટકાવ : ચોથા છંટકાવના 21 દિવસ બાદ 3 લિટર ખાટી છાશમાં 100 લીટર પાણી સાથે છંટકાવ કરવો.
- છઠ્ઠો છંટકાવ : પાંચમા છંટકાવના 21 દિવસ બાદ 15 લીટર જીવામૃત ને 150 લીટર પાણી સાથે છંટકાવ કરવો.
રોગ-જીવાત: ચુસીયા પ્રકારની જીવાત માટે નિમાસ્ત્રનો ઉપયોગ કરો.લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. 20 મિલી લીમડાનું તેલ પ્રતિ 10 લીટર પાણી સાથે મિશ્રીત કરી છંટકાવ કરવો.
કૃમિ (સુંડી) : 3 લીટર બ્રહ્માસ્ત્ર 100 લિટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો.
થડ વેધક, ફળ વેધક, કૃમિ માટે : 3 લીટર અગ્નિઅસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો. ફૂગ અને વાયરસ દ્વારા ફેલાતા રોગોના નિવારણ માટે 3 લીટર ખાટી છાશમાં 100 લીટર પાણી મેળવી છંટકાવ કરો. ખાટી છાશ 3 થી 4 દિવસ જૂની હોવી જોઈએ.
ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે પર્યાવરણની જાળવણી અને ભાવિ પેઢીના હિતાર્થે આજે જ પ્રાકૃતિક કૃષિ અપનાવીએ આપણી ધરતી માતાને ઝેર મુક્ત બનાવીએ.