Parshottam Rupala On CM Rekha Gupta Attacked: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાની ઘટનાને ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને જણાવ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાય છે. રૂપાલાએ આશા વ્યક્ત કરી હતી કે પોલીસ આ મામલે યોગ્ય તપાસ કરશે અને સત્ય બહાર લાવશે. વકીલ મંડળ સાથે ચર્યા કર્યા બાદ આગળ રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું.
માનસિક રીતે અપસેટ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાને આવ્યું છે
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે આ વિવાદમાં જે પ્રકારની માહિતી સામે આવી છે, તેમાં તે વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવે છે. એટલે અમારી દ્રષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી.વ્યક્તિત્વ જે પ્રકારે જાણકારીમાં આવ્યું છે એમાં કશું બહુ કહેવા જેવું નથી. આજે આ અંગેની એક બેઠક વકીલ મંડળ અને વકીલ આગેવાન મિત્રો સાથે રાખેલી છે. તેમની રજૂઆતોને ધ્યાનમાં લઈને જરૂર ઉચ્ચ કક્ષાએ અમે રજૂઆત કરશું.
નવી આધુનિક AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું
આજે રાજકોટમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી આધુનિક AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે રાજકોટ બસ પોર્ટથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવાઈ હતી. આ તકે સાંસદ પરસોત્તમ રૂપાલાએ રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સવલતો માટે નવી ટેકનોલોજી સાથેની લક્ઝરી બસોની સેવા શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે અંદાજે 100 જેટલી નવી બસો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મુસાફરો માટે લેવામાં આવી છે, જે પૈકી 25 જેટલી બસો રાજકોટ વિભાગને સોંપવામાં આવી છે. આ 25 બસોમાંથી સાત જેટલી નવી લક્ઝરી બસો આજથી રાજકોટ વિભાગ દ્વારા જુદા જુદા રૂટોમાં સંચાલિત કરવામાં આવી રહી છે, જે ખૂબ જ આનંદની વાત છે. આ બસો સંપૂર્ણપણે 'મેક ઇન ઇન્ડિયા' છે. બસની અંદર તમામ મશીનથી માંડીને ઇન્ટિરિયર સુધીની તમામ વ્યવસ્થાઓ ભારતીય બનાવટની છે.
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ બસમાં મુસાફરોની સુરક્ષા માટે સીટ બેલ્ટની વ્યવસ્થા પણ આપવામાં આવી છે, જે સુરક્ષાની દ્રષ્ટિએ એક નવો આયામ છે. તેમણે મુસાફરી કરતા તમામ ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી અને બસના ડ્રાઇવર અને કંડક્ટર સહિતના તમામ કર્મચારીઓને પણ શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવી લક્ઝરી બસો રાજ્યના મુસાફરોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ કરાવશે. રૂપાલાએ રાજ્ય સરકારના આ પ્રયાસને બિરદાવ્યો હતો અને મુસાફરોને આ સેવાનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.