Rekha Gupta Attacked Rajesh Sakaria: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઓગસ્ટના રોજ સિવિલ લાઈન્સ સ્થિત કેમ્પ ઓફિસમાં 'જન સુનાવણી' કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. રાજકોટના 41 વર્ષના રાજેશ સાકરિયાએ આ હુમલો કર્યો હતો. ચાલો જાણીએ કે આરોપી રાજકોટથી ક્યારે નીકળ્યો અને કેવી રીતે દિલ્હી પહોંચ્યો.
રાજકોટથી અમદાવાદ અને ત્યાંથી ઉજ્જૈન…
આજતકના અહેવાલ અનુસાર અનુસાર રાજેશ સાકરિયા 17 ઓગસ્ટે રાજકોટથી અમદાવાદ પહોંચ્યો હતો. અહીં અમદાવાદથી ઇન્દોર-ગાંધીનગર એક્સપ્રેસ ટ્રેન પકડીને ઉજ્જૈન પહોંચ્યો હતો. 18 ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ, કાલ ભૈરવ અને મહાલક્ષ્મી મંદિરોના દર્શન કર્યા અને તે જ દિવસે સાંજે સાડા 6 વાગ્યે તે ટિકિટ વિના ઇન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેન પકડી અને 19 ઓગસ્ટે સવારે સાડા 6 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યો.
દિલ્હીમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો
દિલ્હી પહોંચ્યા બાદ રાજેશ કરોલ બાગના હનુમાન મંદિરે ગયો અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. પૂછપરછમાં તેણે એવું જણાવ્યું છે તે મુખ્યમંત્રી આવાસ બહાર ધરણા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે મુખ્યમંત્રીના શાલીમાર બાગ સ્થિત નિવાસસ્થાનનું સરનામું પૂછ્યું અને ત્યાં પહોંચીને મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો. સ્ટાફે તેમને કહ્યું કે મુખ્યમંત્રી બુધવારે સવારે 8:30 થી 9:30 વાગ્યા સુધી જાહેર સુનાવણીમાં સામાન્ય લોકોને મળશે. આ પછી રાજેશ ગુજરાતી ભવનમાં રોકાયો.
જાહેર સુનાવણીમાં રેખા ગુપ્તા પર હુમલો
20 ઓગસ્ટના રોજ જાહેર સુનાવણી દરમિયાન તે સિવિલ લાઇન્સ કેમ્પ ઓફિસ પહોંચ્યા અને સવારે 8:15 વાગ્યે મુખ્યમંત્રી પર હુમલો કર્યો, જેમાં રેખા ગુપ્તાને હાથ, ખભા અને માથામાં ઇજાઓ થઈ. દિલ્હી પોલીસે ત્યારબાદ આરોપી રાજેશની ધરપકડ કરી લીધી છે. આરોપીની માતાએ એવું જણાવ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને શેલ્ટરમાં રાખવાના આદેશથી નારાજ હતો.