Delhi CM Rekha Gupta: રાજકોટના રાજેશ સાકરીયાએ દિલ્હીના CM રેખા ગુપ્તાને તમાચો મારવાનો કર્યો પ્રયાસ, જુઓ પરિવારજનોએ આ અંગે શું કહ્યું

દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. ભાજપ આ હુમલાને રાજકીય ષડયંત્ર તરીકે ગણાવી રહ્યું છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 20 Aug 2025 11:33 AM (IST)Updated: Wed 20 Aug 2025 11:33 AM (IST)
rajkots-rajesh-sakaria-tries-to-slap-delhi-cm-rekha-gupta-stopped-by-police-588572

Delhi CM Rekha Gupta Attacked: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જાહેર સુનાવણી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના તે સમયે બની જ્યારે મુખ્યમંત્રી તેમના સરકારી નિવાસસ્થાન કેમ્પ ઓફિસમાં સામાન્ય લોકોની ફરિયાદ સાંભળી રહ્યા હતા. આ હુમલા પછીથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

દિલ્હી સીએમની હાલ સલામત છે

મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા સ્વસ્થ છે. હાલમાં તેમના કાર્યક્રમો રદ કરવામાં આવશે નહીં. આ હુમલો થતાં જ ઘટનાસ્થળે અફરાતફરી મચી જવા પામી હતી અને અધિકારીઓએ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાને એલર્ટ કરી દીધી હતી.

રાજકોટના શખ્સે હુમલો કર્યો હતો

સુરક્ષા કર્મચારીઓએ હુમલાખોરને પકડી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનુ નામ રાજેશ ખીમજીભાઈ સાકરીયા છે અને તે રાજકોટનો રહેવાશી છે. તે એક સેવાભાવી વ્યક્તિ છે અને તેને શ્વાન અને અન્ય અબોલ જીવ પ્રત્યે ખુબજ લગાવ છે. તેણે દાવો કર્યો હતો કે, તે મુખ્યમંત્રી પર એક વ્યક્તિગત સમસ્યાને લઈને ગુસ્સે હતો જેનો ઉકેલ આવી રહ્યો ન હતો. પોલીસે તાત્કાલિક તેને કસ્ટડીમાં લીધો અને વધુ પૂછપરછ શરુ કરી છે.

જુઓ પરિવારે શું કહ્યું

રાજકોટમાં તેમના પરિવારને આ હુમલા અંગે પુછવામાં આવતા જણાવ્યું કે, તે દિલ્હી એકલો ગયો હતો. તે કોઇ પણ પક્ષ સાથે જોડાયેલો પણ નથી. તે દિલ્હી શું કામથી ગયો છે, તે અંગે અમે કશું પણ જાણતા નથી. પરંતુ તે સેવાભાવી વ્યક્તિ છે. તેને આવું કામ શા માટે કર્યું તે વિશે અમે પણ અજાણ છીએ. હાલ ઘટના અંગે અમે વધુ જાણતા નથી.

આ હુમલા પછી, મુખ્યમંત્રી રેખા ગુપ્તાને તાત્કાલિક તેમના ખાનગી ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા હતા. એક સત્તાવાર નિવેદનમાં, મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સુરક્ષિત છે અને તેમને કોઈ પણ ઈજા થઈ નથી. જોકે, ડોકટરોની એક ટીમે તેમની તપાસ કરી અને તેમને થોડો સમય આરામ કરવાની સલાહ આપી છે.