Anand News: ખંભાતના સોખડા ફૂડ કંપનીમાં ઝેરી ગેસથી બે શ્રમિકોના મોત, હોસ્પિટલ બહાર પરિવારજનોનું આક્રંદ

કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને ટાંકીની અંદર ઉતારી સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી. ટાંકીમાં ઝેરી ગેસની અસર થતા બંને શ્રમિકો બેભાન થઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 22 Aug 2025 04:14 PM (IST)Updated: Fri 22 Aug 2025 04:14 PM (IST)
anand-news-two-workers-die-from-toxic-gas-at-ekta-fresh-food-company-in-khambhat-589962

Anand News: ખંભાત તાલુકાના સોખડા ગામે આવેલી એકતા ફ્રેશફૂડ કંપનીમાં આજે એક દુઃખદ ઘટના બની હતી. કંપનીના એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસ ફેલાતા બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર હાલતમાં ICUમાં સારવાર હેઠળ છે.

કંપનીના માલિકો દ્વારા શ્રમિકોને ટાંકીની અંદર ઉતારી સફાઈ કરવાની સૂચના આપવામાં આવી હતી. ટાંકીમાં ઝેરી ગેસની અસર થતા બંને શ્રમિકો બેભાન થઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. મૃતકો સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ અન્ય બે શ્રમિકો તેમને બચાવવા માટે ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ તેઓ પણ ઝેરી ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલમાં ICUમાં સારવાર હેઠળ છે.

મૃતક શ્રમિકોના પરિવારજનોના હોસ્પિટલ બહાર આક્રંદથી વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને લઈને સ્થળ પર હાહાકાર મચી ગયો હતો. બીજી તરફ, આ મામલે અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. ફૂડ પ્રોડક્શન કરતી કંપનીમાં કેમિકલ પ્રોસેસ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ETP પ્લાન્ટની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઇ રહી છે. પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. શ્રમિકોના મોત માટે જવાબદાર કોણ છે તે જાણવા માટે વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાથી શ્રમિક સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, અને સ્થાનિક સ્તરે આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે.