Ahmedabad Student Stabbing Case: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 15 વર્ષીય નયનની હત્યા બાદ શહેરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક વિદ્યાર્થીની યાદમાં સ્કૂલ બહાર એક વિશાળ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો, વાલીઓ અને સમાજના આગેવાનો એકઠા થયા હતા. નયનના માતા-પિતા હજી પણ દીકરાની યાદમાં આંસુ રોકી શકતા નથી. મહત્ત્વનું છે કે, જન આક્રોશ વાલીમંડળ સંઘર્ષ સમિતિ દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હિન્દુ સમાજના આગેવાનો સહિત અનેક લોકોએ શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કરૂણ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓએ સ્વયંભૂ બંધનું એલાન આપ્યું હતું. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, ન્યુ ક્લોથ માર્કેટ, કાપડ બજાર, સરદારનગર સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મણિનગર સહિતના અન્ય વિસ્તારોમાં પણ બંધનું એલાન જોવા મળ્યું હતું. આ બંધ વેપારી મંડળોના સભ્યો અને વાલીઓ દ્વારા સમર્થિત હતો. જેઓ એકમાત્ર દીકરાના મોતથી શોકમગ્ન પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે.
આ હત્યાકાંડને કારણે સર્જાયેલા જન આક્રોશને પગલે, સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અનેક વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ શ્રદ્ધાંજલિ સભામાં જોડાયા હતા, જેમણે આ ઘટનાને અત્યંત દુખદ અને અયોગ્ય ગણાવી હતી. તમામ લોકો નયનને ન્યાય મળે અને તેની આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દ્વારા સમાજે પોતાનો ઊંડો શોક અને આક્રોશ વ્યક્ત કર્યો હતો, સાથે જ આવી ઘટનાઓ ફરી ન બને તેવી અપેક્ષા પણ રાખી હતી.