Seventh Day School Murder Case: આજે સેવન્થ ડે સ્કૂલ(Seventh Day School)માં શ્રદ્ધાંજલિ સભા માટે મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં એકઠા થયા હતા. આ દરમિયાન સ્કૂલની બહાર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં આજે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધનું એલાન કરાયું હતું. રિલીફ રોડના વેપારીઓ બંધ પાડી વિરોધમાં જોડાયા હતા. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર, ન્યૂ ક્લોથ માર્કેટ અને કાપડ બજાર સહિત સરદારનગરના વેપારીઓ આજે બંધ રાખશે.
શોકસભામાં નયનના પિતાએ ન્યાયની માગણી કરી
મૃતક નયન સંતાણીના પિતાએ કહ્યું કે, નયનને સૈનિક બનાવવાની ઈચ્છા હતી, નયન નેવીમાં જોડાવા માંગતો હતો. આ દરમિયાન તેમને કહ્યું કે, હત્યારાને ફાંસી આપવામાં આવે. હિંદૂ હોય કે મુસલમાન, કાયદા બધા માટે એકસરખા હોવા જોઈએ. હત્યારાએ પોતે કબૂલ્યું છે કે તેણે હત્યા કરી છે, સરકારને માંગ છે કે કાયદા બદલો. અમારો દિકરાએ સૈનિક બનતા પહેલાં જ શહીદી વ્હોરી લીધી છે.
વધુમાં કહ્યું કે, આ કંઈ બરાબર નથી. મને લાગે છે આજે મને ન્યાય જોઈએ. તો તમે બધા જાણો છો કદાચ બે આરોપીઓને કોર્ટમાં લઈ ગયા છે. જેમને ફક્ત બે-ત્રણ વર્ષ માટે ભારત સુરક્ષા વિભાગમાં રાખવામાં આવશે. ત્યારબાદ તે હત્યારો બે-ત્રણ વર્ષ પછી બહાર આવશે. આ બધું બધાને ખબર છે. પણ આ ન્યાય નથી. અમને ન્યાય જોઈએ. આપણા દેશના દીકરા માટે અને તેની આત્મા માટે શાંતિ મળે, માટે ન્યાય એક જ છે. નયનના હત્યારાને ફાંસી આપો.
સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?
અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચમાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે. આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતા તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘા ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.