Vadodara News: વડોદરા શહેર નજીકથી પસાર થતા હાઈવે અને સર્વિસ રોડ પર આજે ફરી એકવાર ભારે ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ખાસ કરીને પોર-બામણગામ રોડ પર લાંબો ટ્રાફિક જામ થતાં સવારના સમયે નોકરી, ધંધા અને શાળાએ જતા લોકો કલાકો સુધી અટવાઈ રહ્યા હતા.
આ ટ્રાફિકજામમાં ઈમર્જન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી. દર્દીને સમયસર ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સને રોંગ સાઈડમાંથી પસાર થવાની ફરજ પડી હતી. આવી સ્થિતિમાં જીવ બચાવતી સેવા પણ મોડે પહોંચી રહી છે, જે ચિંતાજનક છે.
અમદાવાદ-મુંબઈ જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર પણ આજે ફરી એકવાર લાંબો ટ્રાફિક જામ થયો હતો. છેલ્લા કેટલાક સમયથી હાઈવે પર વારંવાર ટ્રાફિકજામ સર્જાઈ રહી છે. હાઈવેના ખસ્તાહાલ રસ્તાઓ, મોટા ખાડા અને બિસ્માર સર્વિસ રોડને કારણે વાહનોને ધીમું ચલાવવું પડતું હોવાથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.
આ પણ વાંચો
તાજેતરમાં જ પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હાઈવે પરિસ્થિતિ સુધારવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. છતાં હકીકતમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. સાંસદ અને પ્રબંધક તંત્રની મોટી મોટી વાતો માત્ર મૌખિક સ્તરે જ રહી ગઈ છે.
ખાસ કરીને હાઈવેની આસપાસ રહેતા લોકો તેમજ રોજિંદા મુસાફરો માટે આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ટ્રાફિકજામમાં ફસાતા ઇમર્જન્સી વાહનો અને સામાન્ય જનતા બંને મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તંત્રએ તાત્કાલિક પગલા ભરી હાઈવે પરિસ્થિતિ સુધારવાની જરૂર છે.