Rajkot: રાજકોટને હાઈકોર્ટની બેંચ હવે પાક્કી, વકીલોની કાનૂની લડતને ભાજપનું ખુલ્લુ સમર્થન મળ્યું

સાંસદો-ધારાસભ્યોએ રાજકોટમાં હાઈકોર્ટની બેંચ માટે રાજ્ય અને જરૂર જણાશે તો કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની ખાતરી આપી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 23 Aug 2025 05:22 PM (IST)Updated: Sat 23 Aug 2025 05:22 PM (IST)
rajkot-news-bjp-legal-cell-meeting-for-gujarat-high-court-bench-in-saurashtra-590639
HIGHLIGHTS
  • ભાજપ લીગલ સેલ દ્વારા જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી
  • પુરુષોત્તમ રુપાલા સહિત ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા

Rajkot: ગુજરાત રાજ્યની સ્થાપના થતાં રાજકોટમાં કાર્યરત સૌરાષ્ટ્રની હાઈકોર્ટને તાળા લાગ્યા હતાં. જે બાદ સૌરાષ્ટ્રને હાઈકોર્ટ મળે તે માટે વકીલો અને રાજકીય અગ્રણીઓ સહિતના લોકો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અગાઉ 1983માં 6 માસ સુધી હાઈકોર્ટની બેન્ચ માટે આંદોલન ચાલ્યુ હતું, તેમ છતાં આજ સુધી હાઈકોર્ટની બેન્ચ ન મળતા ફરી રાજકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તેવા દ્રઢ નિશ્ચય સાથે વકીલોએ ફરી જંગ છેડયો છે.

જેને પગલે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે જનપ્રતિનિધિઓ સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં રાજકોટના સાંસદો, ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ લીગલ સેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને આવેદનપત્ર પાઠવી હાઇકોર્ટની બેન્ચ લાવવા સહયોગ આપવા રજુઆત કરી હતી. જેનો મહાનુભાવોએ હકારાત્મક અભિગમ આપ્યો હતો.

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા છેલ્લાં ઘણા સમયથી વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે. તેમ છતાં સફળતા ન મળી હોય તેમ અત્યાર સુધીમાં હાઇકોર્ટની બેંચ મળી નથી. એવામાં વકીલોએ હાઇકોર્ટની બેંચ માટે લડત શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટના વકીલો દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં 111 શ્રીફળ વધેરી રાજકોટમાં હાઇકોર્ટની બેંચ લાવવા કાનૂની લડતના મંડાણ માંડ્યા હતા.

રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વકીલ મંડળો અને જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનોને સાથે લઈને હાઇકોર્ટની બેંચ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અંગે આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા શીતલ પાર્ક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરે 11.30 કલાકે રાજકોટ હાઈકોર્ટ બેન્ચ એક્શન કમિટીના વકીલો, અલગ અલગ વકીલ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલો, રાજકોટના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રજા પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ મીટીંગમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા રામ મોરીયા ધારાસભ્ય રમેશ ટીલાળા ,દશિતા શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા , સિનિયર એડવોકેટ અનિલ દેસાઈ , લલિતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલીયા, કિશોરભાઈ સખીયા એલજી રામાણી એમ જે પટેલ,અર્જુન પટેલ , ભાજપ લીગલ સેલના કન્વીનર પિયુષ શાહ , કમલેશ શાહ, સુરેશ ફળદુ, દિલેશ શાહ મેહુલ મહેતા અને રાજભા ઝાલા સહિતના સિનિયર જુનિયર સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગામી હાઇકોર્ટની બેંચ માટે રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સાંસદો અને ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટની બેંચ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશું અને જરૂર પડશે તો કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરવામાં આવશે અને હાઇકોર્ટની બેંચ લઈને જ ઝંપીશું તેઓ એક થી સુરે અવાજ ઉઠાવ્યો હતો.