આગામી 3 કલાક ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશેઃ મહેસાણા, પાટણ સહિત 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ

જ્યારે રાતે 10 વાગ્યા સુધી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, રાજકોટ, નવસારી, અમરેલી સહિત 27 જિલ્લામાં મધ્યમ વરસાદને લઈને ઑરેન્જ એલર્ટ જારી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 23 Aug 2025 08:25 PM (IST)Updated: Sat 23 Aug 2025 08:25 PM (IST)
gujarat-weather-report-imd-red-arert-for-3-hours-due-to-heavy-rain-in-6-north-districts-590722
HIGHLIGHTS
  • હવામાન વિભાગ દ્વારા 3 કલાકનું વેધર બુલેટિન જારી
  • આગામી 3 કલાક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે

Gujarat Weather Report | Mehsana | IMD Alert: ગુજરાતમાં એકસાથે 5 જેટલી વરસાદ લાવતી સિસ્ટમ સક્રિય થવાથી ગત 16 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદનું જોર જરૂર ઘટ્યું છે, પરંતુ હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને વેધર બુલેટિન જારી કરવામાં આવ્યું છે. જેમાં રાતના 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 3 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને કચ્છ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 41 થી 61 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ વીજળી પણ પડવાની શક્યતાને જોતા હવામાન વિભાગ દ્વારા આ 6 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આ ભાગોમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જણાવી દઈએ કે, આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 207 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 106 મિ.મી (4.1 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય જૂનાગઢના ભેસાણમાં 99 મિ.મી (3.9 ઈંચ), વલસાડના પારડીમાં 90 મિ.મી, તાપીના વ્યારામાં 83 મિ.મી, સોનગઢમાં 73 મિ.મી, નવસારીના ખેરગામમાં 63 મિ.મી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 63 મિ.મી (2.4 ઈંચ) વરસાદ પડ્યો છે.