Bharuch: ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ખાતે આવેલ પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે ગત મોડી રાત્રિથી ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. રાજ્યભરના હજારો શિવભક્તો મોડી રાતથી જ મંદિરે પહોંચી દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. જેના પરિણામે મંદિર પરિસરમાં પૂજા-અર્ચના અને અભિષેક માટે લાંબી કતારો જામી હતી. આ સાથે જ મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતુ.
શ્રાવણ માસ શિવજીને વિશેષ પ્રિય માનાતા હોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોની વધતી સંખ્યાને કારણે કાવી કંબોઈ માર્ગ પર ગંભીર ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી. વાહનોની ધીમી અવરજવરથી યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો
પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે ભરૂચ જિલ્લા પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા. મુખ્ય માર્ગો પર વધારાનો ટ્રાફિક સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો, તેમજ વાહન વ્યવહારને સરળ બનાવવા બેરિકેડ્સ મૂકાયા. આમ છતાં બપોર બાદ પણ રસ્તાઓ પર અનેક કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી.

પોલીસ તંત્ર દ્વારા ભક્તોને સૂચના આપવામાં આવી છે કે, શક્ય હોય તો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ટ્રાફિક પોલીસની ટીમને સહકાર આપે. શ્રાવણ માસના અંતિમ દિવસે પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાદેવના દર્શન માટે આવનાર ભક્તોના હર હર મહાદેવના નાદથી સમગ્ર કાવી કંબોઈ વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.
