Mahisagar: મહિસાગર જિલ્લામાં આવેલ રાજ્યનો ત્રીજો સૌથી મોટા ડેમ ગણાતા કડાણા ડેમમાંથી મહિસાગર નદીમાં હાલ 59 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 6 દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેના પરિણામે નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આહ્લાદક દૃશ્યો સર્જાયા છે.
ઉપરવાસમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. 23 ઓગસ્ટે સાંજે 4:20 વાગ્યે આવક 59 હજાર ક્યુસેક નોંધાઈ હતી. ડેમનું જળસ્તર હાલમાં 416 ફૂટ છે, જ્યારે કુલ ક્ષમતા 419 ફૂટ છે અને તે 92.52 ટકાથી ભરાયેલો છે.
સુરક્ષાના પગલાંરૂપે મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના મહી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાનના વાંસવાળા ખાતે આવેલ માહી બજાજ સાગર ડેમમાંથી અને મધ્ય પ્રદેશની અનાથ નદીમાંથી આવેલા વધારાના પાણીના કારણે કડાણા ડેમ છલકાયો છે.
કડાણા ડેમ રાજ્યનો ત્રીજો સૌથી મોટો ડેમ છે. આ ડેમમાંથી નહેરો અને નદી મારફતે આઠ જિલ્લાઓ મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા માં પાણી પહોંચાડવામાં આવે છે.
1979 થી 1989 દરમિયાન બનેલો આ ડેમ જળવિદ્યુત ઉત્પાદન માટે પણ મહત્વપૂર્ણ છે. અહીંના પ્રથમ બે જનરેટર 1990માં અને બીજાં બે જનરેટર 1998માં સ્થાપિત થયા હતા, જેમાં ફ્રાન્સિસ ટર્બાઇનનો ઉપયોગ થાય છે, જે ઓછી માંગના સમયમાં પાણી પાછું સરોવરમાં ઠાલવી શકે છે. પાણીની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની અપીલ કરી છે.