Ahmedabad School Stabbing: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે વેપારીઓ અને સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક નયન માટે ન્યાય માંગવા ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે, ત્યારે આજે વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરના ધારાસભ્યો ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે.
આ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહેલ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ જણાવ્યું કે, આ માત્ર વિદ્યાર્થી નયનની જ હત્યા નથી થઈ, પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા કરવામાં આવી છે. જો સરકાર વિદ્યાર્થીના હત્યારાઓને ઓકાત નહીં બતાવે, તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે. આગામી 15 દિવસમાં સરકાર નયનને ન્યાય નહીં અપાવે, તો હિન્દુ સમાજ જગન્નાથ મંદિરથી સેવન્થ ડે સ્કૂલ સુધી કૂચ કરશે. આ કૂચના જે પરિણામ આવશે, તે માટે સરકાર જવાબદાર રહેશે.
Ahmedabad School Stabbing: સેવન્થ ડે સ્કૂલ પર માન્યતા રદ્દ થવાનું તોળાતું જોખમ, DEOએ વિદ્યાર્થીની હત્યા અંગે 3 દિવસમાં ખુલાસો માંગ્યો
વધુમાં તેમણે આ ઘટનાને હિન્દુ સમાજ ઉપર હુમલો ગણાવી હિન્દુઓએ એકજૂટ થવાની હાકલ કરતા જણાવ્યું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જુલમ થતો હતો. જો કે હવે ભારતમાં પણ હિન્દુઓ મરી રહ્યા છે. આ ઘટના અફસોસજનક છે.
અમદાવાદના મોટાભાગના બજારોએ શનિવારે બંધ પાળ્યું
આ સમગ્ર મામલે વિદ્યાર્થીના પરિવારને ન્યાય મળે, તે માટે વેપારી મહામંડળ પણ મેદાનમાં આવ્યું છે. જે અંતર્ગત આજે મોટાભાગના વેપારીઓએ બંધ પાળીને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી છે.
આજે અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા શહેરના કાલુપુર, રિલીફ રોડ, રાયપુર જેવા વિસ્તારોના વેપારીઓની સહમતિ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. જેમને અન્ય કેટલાક વેપારી મંડળોનો પણ સાથ મળ્યો હતો. જેના પગલે આજે આ વિસ્તારની મોટાભાગની દુકાનો અને બજારો બંધ રહ્યા હતા. આટલું જ નહીં, વેપારી મંડળો પોસ્ટર અને બેનરો લઈને નયન માટે ન્યાયની માંગ સાથે ધરણાં પર બેઠા હતા.
જણાવી દઈએ કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા મામલે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે, સ્કૂલની બહાર આરોપીએ નયનને પરિકરના ઘા ઝીંક્યા હતા. જે બાદ નયન પેટને રૂમાલથી કવર કરીને ચાલતો-ચાલતો સ્કૂલની પાળી પર આવીને બેસી ગયો હતો. આ સમયે સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ સહિત સ્ટાફને જાણ હોવા છતાં તેમણે પોલીસ કે વાલીને જાણ કરવાની તસ્દી નહતી લીધી. આખરે નયનની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.