Ahmedabad Student Stabbing Case: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી નયનની હત્યા બાદ તેના ન્યાય માટે યોજાયેલી શોકસભામાં મોટી સંખ્યામાં લોકો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહામંડલેશ્વર ઈશ્વરી નંદ ગિરિ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. આ તમામ અગ્રણીઓએ નયનને ન્યાય મળે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. VHP અને બજરંગ દળ દ્વારા આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે.

VHPના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું કે, આ ઘટના માત્ર એક ગુનો નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજ પરનો હુમલો છે. આ હત્યા 'ઇસ્લામ પ્રેરિત જેહાદીઓ' દ્વારા કરવામાં આવી છે, જે 'ભારત માતા પર કુઠારાઘાત' સમાન છે. 1400 વર્ષથી હિન્દુ સમાજ ઇસ્લામથી પરેશાન છે. હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરનાર રાજનેતાઓનું નેતૃત્વ ઈતિહાસના શાસકો જેવા કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, કૃષ્ણદેવ રાય અને વીર સાવરકર જેવું હોવું જોઈએ. જો 15 દિવસમાં નયનને ન્યાય નહીં મળે, તો હિન્દુ સમાજ જગન્નાથ મંદિરથી સેવન્થ ડે સ્કૂલ સુધી કૂચ કરશે, જેનાં પરિણામોની જવાબદારી સરકારની રહેશે.
ધર્મેન્દ્ર ભાવાણીએ કહ્યું કે, નયનની હત્યાને માત્ર એક સિંધી સમાજના દીકરાની નહીં, પરંતુ 100 કરોડ હિન્દુઓની અસ્મિતાની હત્યા છે. જો સરકાર હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે, તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે. હિન્દુઓને જાગૃત થવું જોઈએ અને મદ્રેસાઓ પર તાળા લગાવવા જોઈએ. ઇસ્લામિક શિક્ષણ બંધ નહીં થાય, ત્યાં સુધી આવા અનેક નયન મરતા રહેશે. આ સમગ્ર ઘટનાને કારણે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સેવન્થ ડે સ્કૂલ સ્કૂલની ઘટના શું હતી?
અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચમાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતા તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘા ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.