Vadodara News: શ્રાવણ માસના અંતિમ દિવસે વડોદરા શહેર તેમજ જિલ્લામાં આવેલાં શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ડભોઇ તાલુકાના કરનાડી ગામમાં આવેલ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરમાં ભક્તોનું કડિયારું ઉમટી પડ્યું છે. ભગવાન શિવના આ પવિત્ર સ્થાને માત્ર ગુજરાતમાંથી જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા છે.
કુબેર ભંડારી મહાદેવના દર્શન માટે ગઈકાલે રાત્રેથી જ ભક્તોએ લાઇન લગાવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં ભક્તોની સંખ્યા એટલી વિશાળ હતી કે ભક્તોએ 6 કલાક સુધી કતારમાં ઉભા રહીને દર્શનનો લાભ લેવો પડે છે. માન્યતા છે કે આ દિવસે કરાયેલા પૂજન-અર્ચનથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે અને ઘર-સંસાર પર કુબેરનો આશીર્વાદ વરસે છે.
આજે શનિ અમાસ હોવાને કારણે ધાર્મિક મહત્ત્વ વધુ રહ્યું છે. અમાસના દિવસે ખાસ પૂજા, અભિષેક તથા હવનનો કાર્યક્રમ યોજાયો હતો. અનેક ભક્તોએ કુબેર મહાદેવની એક ઝલક મેળવવા માટે દિવસભર તપસ્યા કરી હતી.
ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા તથા પાર્કિંગ માટે ખાસ તજવીજ કરવામાં આવી હતી. ભક્તો માટે પાણી, પ્રસાદ અને આરોગ્ય સેવાઓની પણ વ્યવસ્થા ગોઠવાઈ હતી. ધાર્મિક વાતાવરણ વચ્ચે આજે શ્રાવણ માસ પૂર્ણ થતાં આવતીકાલથી ગુજરાતમાં ગણેશ ચતુર્થી, પર્યુષણ અને નવરાત્રી જેવા વિવિધ તહેવારોની શરૂઆત થવા જઈ રહી છે. તેથી ધાર્મિક ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે.