સાબરકાંઠામાં મેઘરાજાની જમાવટઃ ખેડબ્રહ્મામાં 2 કલાકમાં ગાજવીજ સાથે બે ઈંચ ધોધમાર વરસાદ, હરણાવ નદી બે કાંઠે થઈ

આખા દિવસ દરમિયાન રાજ્યના 207 તાલુકામાં મેઘમહેર, 50 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 14 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 23 Aug 2025 07:39 PM (IST)Updated: Sat 23 Aug 2025 07:39 PM (IST)
sabarkantha-news-207-taluka-get-rain-across-the-gujarat-till-6-pm-on-23rd-august-590688
HIGHLIGHTS
  • અત્યાર સુધી ખેડબ્રહ્મામાં 63 મિ.મી વરસાદ ખાબક્યો
  • મહિલાઓએ નદીમાં તરતા દીવા મૂકી પાણીને વધાવ્યું

Gujarat Rain Data | Sabarkantha: છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે દક્ષિણ તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે. ત્રણેક દિવસથી ઉત્તર ગુજરાતમાં મેઘાવી માહોલ જામ્યો છે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતાને જોતા ઑરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આજે બપોરે 4 થી સાંજના 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં રાજ્યના 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 50 મિ.મી (1.9 ઈંચ) વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં જ નોંધાયો છે. છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલા વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લાના નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે. ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. બીજી તરફ મહિલાઓએ નદીમાં દીવા તરતા મૂકીને પાણીનું સ્વાગત કરતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે જ સાબરકાંઠા જિલ્લામાં સિઝનનો સરેરાશ 98 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

Navsari: નવસારી LCBની ટીમે રૂ.61.60 લાખના વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો, ડ્રાઈવરની ધરપકડ

અન્ય તાલુકામાં જોઈએ તો, વીતેલા બે કલાકમાં નર્મદાના નાંદોદમાં 40 મિ.મી (1.5 ઈંચ), મહેસાણાના વિસનગરમાં 40 મિ.મી (1.5 ઈંચ), નર્મદાના ગરુડેશ્વર, બનાસકાંઠાના ભાભર, મહેસાણાના ખેરાલુમાં 35-35 મિ.મી (1.3 ઈંચ), નર્મદાના તિકલવાડામાં 30 મિ.મી (1 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો છે.

આજે રાજ્યના 207 તાલુકામાં મેઘમહેરઃ 51 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
અત્યાર સુધીમાં રાજ્યના 207 તાલુકામાં વરસાદ પડ્યો છે. જે પૈકી વલસાડના ધરમપુરમાં સૌથી વધુ 106 મિ.મી (4.1 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય જૂનાગઢના ભેસાણમાં 99 મિ.મી (3.9 ઈંચ), વલસાડના પારડીમાં 90 મિ.મી, તાપીના વ્યારામાં 83 મિ.મી, સોનગઢમાં 73 મિ.મી, નવસારીના ખેરગામમાં 63 મિ.મી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 63 મિ.મી (2.4 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 51 તાલુકામાં 1 ઈંચથી વધુ, 14 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.