Rajkot: રાજકોટના ભાગોળે વડવાજળી ગામે થોડા દિવસો પૂર્વે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી અને ત્યાં રહેતાં દિનેશભાઈ વાણીયાના મકાનમાં દોઢેક માસ પહેલાં ત્રાટકેલા તસ્કરો રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.80 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. આટલું જ નહીં, જતા-જતા સોસાયટીમાંથી બે બાઈક પણ ઉપાડી ગયા હતા. મેટોડા જીઆઈડીસી પોલીસે આ ચોરીમાં સંડોવાયેલી ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. આ મામલે ચોરીનું સોનુ ખરીદનાર સોની વેપારી અને ટોળકીના અન્ય એક સાગરિતને પકડવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ જિલ્લાના નવનિયુકત એસ.પી.વિજયસિંહ ગુર્જરે આજે પત્રકાર પરિષદમાં આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, પકડાયેલા ટોળકીના ત્રણેય સભ્યો મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર અને ધાર જીલ્લાના વતની જીતેન સોમસીંગ ચૌહાણ, જોહરૂ ધનસીંગ બામણીયા અને મહેન્દ્રસિંહ ભોવાનસિંહ મેહડાનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ પૈકી જીતેન કુંકાવાવના ફુલડા ગામે અને જોહરૂ ટંકારા પંથકમાં વાડી વાવે છે.
આ ત્રણેય આરોપીઓએ હાલ વોન્ટેડ દિનેશ મસાનીયા સાથે મળી આ ચોરી કરી હતી. આરોપીઓ પાસેથી સોનાનો ચેન, રોકડ રકમ, બાઈક, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ.2.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી જીતેન મધ્ય પ્રદેશમાં ચોરીના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. જયારે જોહરૂ પણ મધ્ય પ્રદેશમાં ચોરીના ગુના ઉપરાંત પોકસોમાં પકડાઈ ચુકયો છે. બીજો આરોપી મહેન્દ્રસિંહ પણ મધ્ય પ્રદેશમાં ચોરી, લુંટ અને મારામારી સહિતના ગુનાઓમાં પકડાઈ ચુકયો છે. ચોરીનું સોનુ ખરીદનાર સોની વેપારીની પણ આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવશે.