Ahmedabad School Stabbing: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય માથાકૂટમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીનું ખૂન કરી નાંખ્યું હોવાના બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સંદર્ભે બેદરકારી દાખવનારા સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવામાં હવે સ્કૂલની માન્યતા રદ્દ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હકીકતમાં આજે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને વધુ એક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ નોટિસમાં જણાવ્યા મુજબ, ગત 19 ઓગસ્ટના રોજ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બની હતી. આ મામલે સ્કૂલ દ્વારા શિક્ષણ અધિકારીને કોઈ જાણ કરવામાં આવી નહતી. જો કે મીડિયા મારફતે જાણ થતાં શિક્ષણ અધિકારીએ સ્કૂલ સત્તાધીશોને નોટિસ ફટકારીને તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ જવાબ રજૂ ના કરતાં શિક્ષણ અધિકારીની કચેરીએ તેને સ્કૂલની બેદરકારી ગણાવી છે.
વધુમાં નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થી પર હુમલો થયા બાદ તે લોહીલુહાણ હાલતમાં શાળાના કમ્પાઉન્ડમાં લાંબા સમય સુધી પડી રહ્યો હતો. આમ છતાં શાળા દ્વારા ઈજાગ્રસ્ત વિદ્યાર્થી માટે કોઈ પગલાં લેવામાં નહતા આવ્યા.
સેવન્થ ડે સ્કૂલમાં અવારનવાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના બનાવો બનતા હોવાની વાલીઓ દ્વારા ફરિયાદ મળી છે. આ મામલે વાલીઓએ સ્કૂલના સંચાલકો અને મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં શાળા સત્તાધીશો દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી કે કચેરીને પણ જાણ કરાઈ નથી. આ પણ શાળીની બેદરકારી દર્શાવે છે.
આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સ્કૂલના આચાર્ય અને સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. જેના પગલે સ્કૂલના પ્રિન્સિપાલ, સિક્યુરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
આથી સ્કૂલ સંચાલકોને આગામી 3 દિવસમાં પોતાનો ખુલાસો રજૂ કરવાનું જણાવવામાં આવ્યું છે. જો 3 દિવસમાં સ્કૂલ તરફથી કોઈ ઉત્તર નહીં આપવામાં આવે, તો ગુજરાત સરકાર દ્વારા સ્કૂલને આપવામાં આવેલ NOC રદ્દ કરવા સુધીના પગલા લેવાઈ શકે છે.