Ahmedabad | Gujarat Rain Data: ગુજરાતમાં એકસાથે વરસાદ ખેંચી લાવતી ચારેક જેટલી સિસ્ટમ હાલમાં સક્રિય છે. હાલ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ચોમાસું ધરી ઉત્તર તરફ ખસવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ઑરેન્જ અને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, આગામી 3 કલાક દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં મધ્યમ વરસાદ (5-15 મિમી/કલાક) થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાને જોતા આ ત્રણ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે
છેલ્લા 2 કલાકમાં 98 તાલુકામાં મેઘમહેરઃ ગરુડેશ્વરમાં સૌથી વધુ 33 મિ.મી ખાબક્યો
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 189 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 106 મિ.મી (4.1 ઈંચ) વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં ખાબક્યો છે. આ સિવાય જૂનાગઢના ભેંસાણમાં 93 મિ.મી અને વલસાડના પારડીમાં 90 મિ.મી વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યના 39 તાલુકામાં 1 ઈંચથી વધુ, 9 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી નર્મદા જિલ્લાના ઘરુડેશ્વરમાં 33 મિ.મી, રાજકોટના કોટડા સાંગણીમાં 30 મિ.મી, મોરબીના ટંકારામાં 29 મિ.મી વરસાદ વરસ્યો છે.