Junagadh News: જૂનાગઢ શહેરમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ કારણે તમામ બંદરો પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
ઘોડાપૂરના કારણે દામોદર કુંડમાં પ્રવેશબંધી
ભારે વરસાદના કારણે દામોદર કુંડ અને આસપાસના વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ માટે દામોદર કુંડ ખાતે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ નિરાશ થયા છે, કારણ કે સલામતીના કારણોસર પોલીસે તેમને કુંડમાં પ્રવેશવા દીધા નથી.
પાણીનો પ્રવાહ ઓછો થતાં નિર્ણય લેવાશે
વહીવટી તંત્ર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે, પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ શ્રદ્ધાળુઓને પિતૃ તર્પણ કરવા દેવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલ, સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાથી લોકોને નદી અને જળાશયોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.