Vadodara: વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ફરી 10 kmનો ટ્રાફિકજામ, વાહનચાલકો કલાકોથી જામમાં ફસાયા

હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું હોય વરણામાથી તરસાલી સુધી લગભગ 10 કિલો મીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 28 Jul 2025 11:32 AM (IST)Updated: Mon 28 Jul 2025 11:35 AM (IST)
vadodara-news-10-km-traffic-jam-on-jambuwa-bridge-leaves-motorists-stranded-for-hours-in-heavy-congestion-574549
HIGHLIGHTS
  • માત્ર પાંચ દિવસમાં ત્રીજીવાર ટ્રાફિકજામ થયો છે.
  • રોજ એક લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે.

Vadodara News: અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર આજે (28 જુલાઈ) ફરી ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો છે. હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું હોય વરણામાથી તરસાલી સુધી લગભગ 10 કિલો મીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. વાહનચાલકોને અવારનવાર આ ટ્રાફિક જામના પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ થોડા દિવસ પહેલા જ આ મામલે કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રજૂઆત કરતા મંત્રી નીતિન ગડકરીએ અધિકારીઓને ચેતવણી આપી હતી. છતાં સ્થિતિમાં સુધારો થયો નથી. માત્ર પાંચ દિવસમાં ત્રીજીવાર ટ્રાફિકજામ થયો છે. રોજ એક લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત અને મુંબઇ તરફ જતા લોકોનો સમાવેશ થાય છે. ટ્રાફિકજામના કારણે લોકો સમયસર નોકરી અને બિઝનેસ પર પહોંચી શકતા નથી.

આસપાસની સોસાયટીના લોકો પણ આ સમસ્યાથી પરેશાન છે. આર્યન રેસિડેન્સીની રહીશ દીપિકાબેન પટેલે જણાવ્યું કે, સ્કૂલ જતા બાળકોને પણ જોખમ છે. ટ્રાફિકના કારણે સ્કૂલ વાન સમયસર આવી શકતી નથી, બાળકોને પગપાળા સ્કૂલે લઇ જવા પડે છે. મેડિકલ ઇમર્જન્સી વખતે એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં પહોંચી શકતી નથી. રહીશોએ ચેતવણી આપી છે કે સમસ્યાનું સમાધાન નહીં આવે તો તેઓ સર્વિસ રોડને બંધ કરીને વિરોધ કરશે. લોકોની માગ છે કે તંત્ર તરત જ ખાડાઓનું યોગ્ય સમારકામ કરે અને સર્વિસ રોડ સાફ કરે જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થાય.