Ahmedabab: ગુજરાતમાં એકસાથે ચાર જેટલી વરસાદની સિસ્ટમ સક્રિય થવાથી લાંબા વિરામ બાદ છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ હવે ઉત્તર અને મધ્ય ગુજરાત પર હેત વરસાવવાનું શરૂ કર્યું છે. જો અમદાવાદની વાત કરીએ તો, શહેર અને જિલ્લામાં પણ ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે
આજે વહેલી સવારથી અમદાવાદમાં વાદળ છાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતુ. જો કે બપોરે એક વાગ્યાના અરસામાં શહેરનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
અમદાવાદ શહેરના એસ.જી હાઈવે, ચાંદખેડા, રાણિપ, થલતેજ, એસ.જી. હાઈવે, સરખેજ, સેટેલાઈટ, બોપલ, મણિનગર, વસ્ત્રાલ, ગોતા, બોડકદેવ, વસ્ત્રાપુર, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સતત બીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો
ગઈકાલે પણ બપોર બાદ અમદાવાદ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સમી સાંજે નોકરીથી છૂટવાના સમયે જ ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. એસજી હાઈવે, શિવરંજની, થલતેજ અને નહેરુનગર, વસ્ત્રાલ, મણિનગર, વટવા સહિત અનેક ઠેકાણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા.