Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં હત્યા બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં, શાળામાં ફરજિયાત ડિસિપ્લિન કમિટી અને સુરક્ષાના નવા નિયમો

મૃતક નયનના પરિવારે ન્યાયની માંગ કરી છે અને સિંધિ સમાજ સહિત અન્ય સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે, જેના કારણે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં તણાવભર્યું વાતાવરણ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 22 Aug 2025 04:37 PM (IST)Updated: Fri 22 Aug 2025 04:37 PM (IST)
ahmedabad-education-department-mandates-discipline-committees-strict-security-rules-in-schools-after-seventh-day-school-murder-589980
HIGHLIGHTS
  • અમદાવાદના શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
  • આ નવા નિયમો મુજબ, દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે એક શિસ્ત સમિતિ બનાવવી ફરજિયાત છે.

Ahmedabad News: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં ધોરણ 8 અને 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય ધક્કામુક્કીમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તીક્ષ્ણ હથિયારથી હત્યા થતા સમગ્ર શહેરમાં શોક અને રોષ ફેલાયો છે. આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. મૃતક નયનના પરિવારે ન્યાયની માંગ કરી છે અને સિંધિ સમાજ સહિત અન્ય સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે, જેના કારણે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં તણાવભર્યું વાતાવરણ છે. આ ઘટના પછી જ શિક્ષણ વિભાગે શાળાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.

આ કરુણ ઘટનાને પગલે અમદાવાદના શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં 'સ્કૂલ સેફટી પોલિસી 2016'નો સંદર્ભ લઈને ખાનગી અને ગ્રાન્ટ-એઇડ શાળાઓમાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેના નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ નવા નિયમો મુજબ, દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે એક શિસ્ત સમિતિ (ડિસિપ્લિન કમિટી) બનાવવી ફરજિયાત છે. આ સમિતિમાં આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી સભ્યોનો સમાવેશ થશે.

આ સમિતિનું મુખ્ય કાર્ય શાળા પરિસર, રમતગમતનું મેદાન અને શાળાએ આવવા-જવાના સમયે સુરક્ષા જાળવવાનું રહેશે. આ ઉપરાંત, શિક્ષકોની ગેરહાજરીમાં કોઈ પણ વિદ્યાર્થી વર્ગખંડમાં એકલો ન રહે અને તેમને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવું પડશે. કોઈપણ અસામાન્ય ઘટના બને તો તેની જાણ તાત્કાલિક શિક્ષણ કચેરીને કરવાની રહેશે.

અમદાવાદની આ ઘટના જેવી જ અન્ય ઘટનાઓ ભૂજ અને અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે બાળકોની માનસિકતામાં ગંભીર ફેરફાર થઈ રહ્યો છે. નાની બાબતોમાં પણ તેઓ હિંસક વલણ અપનાવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માત્ર શાળા જ નહીં, પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે કે આવી હિંસક માનસિકતા ધરાવતા બાળકોને ઓળખીને તેમને યોગ્ય માર્ગદર્શન અને જ્ઞાન પૂરું પાડવામાં આવે.