Banas Dairy News: બનાસ ડેરી દ્વારા પશુપાલકોની લાંબા સમયથી ચાલી રહેલી ભાવફેરની આતુરતાનો આજે અંત આવ્યો છે. પાલનપુર તાલુકાના બાદલપુર ખાતે બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં શંકર ચૌધરી સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં શંકર ચૌધરીએ પશુપાલકો માટે ઐતિહાસિક ભાવફેરની જાહેરાત કરી, જેના કારણે બનાસકાંઠાના પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ વર્ષે પશુપાલકોને લગભગ 25% જેટલો ભાવફેર મળવા જઈ રહ્યો છે.
બનાસ ડેરી દ્વારા પશુપાલકોને આ વર્ષે 2909 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવવામાં આવશે. ગત વર્ષ 2024માં ડેરી દ્વારા 1973.99 કરોડ રૂપિયાનો ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગામની દૂધ મંડળીઓએ પણ 700 કરોડ રૂપિયા કરતાં વધારે ભાવફેર આપવાનો નિર્ણય કર્યો છે. આગામી મહિનાનો પગાર લગભગ 1200 કરોડ રૂપિયા જેટલો આવશે અને તેના સિવાય 2900 કરોડ કરતાં વધારે રૂપિયા બીજા આવશે, આમ કરીને બનાસકાંઠા જિલ્લામાં એક મહિનાની અંદર 4000 કરોડ કરતાં વધારેની ઇકોનોમી ધબકતી થશે.
શંકર ચૌધરીએ જણાવ્યું કે પશુપાલકોની રાત-દિવસની મહેનત, કર્મચારી અધિકારીઓની આખી ટીમનું કામ, અને નિયામક મંડળના નિર્ણયોને કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે. તેમણે આ જસ પશુપાલક માતાઓ અને બહેનોને આપ્યો. આ સફળતા પાછળ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો પણ મોટો ફાળો છે, જેમણે અમેરિકાનું દૂધ ભારતમાં ન આવે તે માટેની પોલિસી બનાવીને દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું.
આ પણ વાંચો
આ ભાવફેરની જાહેરાત ઉપરાંત, બનાસ ડેરી દ્વારા અલગ અલગ નવા પ્રોજેક્ટ બનાવવાની અને વિવિધ પ્રોડક્ટો વિશે ખેડૂતોને માહિતી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. શંકર ચૌધરીએ પર્યાવરણ બચાવવા માટેની પહેલ વિશે પણ પશુપાલકોને માહિતગાર કર્યા. આગામી દિવસોમાં નવી સગવળો ઊભી કરવાની વાત હોય, બનાસ ડેરીમાં અલગ અલગ પ્લાન્ટ ઊભા કરવાની વાત હોય, દૂધમાંથી પાવડર બનાવવાના પ્લાન્ટ હોય કે પછી બનાસ ડેરીની અંદર જ શિક્ષણની સંસ્થા ઊભી કરવાની વાત હોય, તેવી અનેક જાહેરાતો કરવામાં આવી છે.
આ જાહેરાતોના કારણે પશુપાલકોમાં એક નવી ઉર્જાનું ઉત્પન્ન થયું છે. બનાસકાંઠાના અનેક યુવાનો અને મહિલાઓ જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેઓ માત્ર પશુપાલન કરીને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે, જેનો દાખલો પણ શંકર ચૌધરીએ જાહેર મંચ ઉપરથી આપ્યો. આ ઐતિહાસિક ભાવફેર અને નવી પહેલોથી બનાસકાંઠાના પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવવાની આશા છે.