Ahmedabad School Stabbing: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતે 8માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ દસમાના વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરી હોવાના બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા વાલીઓ સહિતના ટોળાએ સ્કૂલ બંધ કરવાની માંગ કરી છે અને પ્રિન્સિપાલ સહિત ટોળાને ફટકાર્યા હતા. એવામાં મૃતક વિદ્યાર્થીની માતાએ પોતાના પુત્ર માટે ન્યાયની માંગ કરી છે.
સેવન્થ ડે સ્કૂલમાં પહેલા પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે: માતા
આ મામલે મૃતક વિદ્યાર્થીની માતાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, મારો દીકરો ખૂબ જ દયાળું હતુ. બાળકો વચ્ચે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મારા પુત્રએ બીજા હજારો બાળકોને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. મારા દીકરાને ન્યાય મળશે, તો જ તેની આત્માને શાંતિ મળશે.
અગાઉ પણ પાંચ-છ વખત સેવન્થ ડે સ્કૂલમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. જો કે પહેલા કોઈ પગલા જ લેવાયા નહતા. હવે મારા દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે બધા જાગૃત થયા છે અને એક્શન લઈ રહ્યા છે. આથી મારા દીકરાને ન્યાય મળવો જ જોઈએ.

હત્યારા વિદ્યાર્થીની ચેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં તેનો મેસેજ હતો કે, થઈ ગયું તો થયું. જે જોઈને જ અમને આઘાત લાગ્યો હતો.
મુસ્લિમ સમાજ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે: ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા
બીજી તરફ આ ઘટનાને વખોડતા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, આ બનાવમાં જે ગુનેગાર છે, તેને સખ્ત સજા મળવી જોઈએ. ક્રાઈમ બ્રાન્ચ તટસ્થ તપાસ કરીને ગુનેગારને સજા અપાવશે. ટીવી સીરિયલો અને સોશિયલ મીડિયાના કારણે બાળકોની માનસિક્તા હિંસક બની રહી છે. આ માટે પરિવાર અને સમાજ પણ એટલો જ જવાબદાર છે. સમગ્ર મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં આ ઘટનાને વખોડે છે.